જાહેરમાં કચરો ફેંકતા ૬૦૦થી વધુ દુકાનદારો સામે જામનગર મહાનગરપાલિકાની દંડાત્મક કાર્યવાહી: રૂ. ૫.૫૦ લાખનો દંડ વસૂલ કરાયો
જામનગર, 08 સપ્ટેમ્બર (હિ.સ.) : જામનગર શહેરમાં કોમર્શિયલ એકમો, દુકાનો અને ધંધાકીય સ્થળોની આસપાસ સ્વચ્છતા જાળવવામાં બેદરકારી દાખવનારા તેમજ રાત્રિના સમયે જાહેરમાં કચરો નાંખનારા ધંધાર્થીઓ સામે જામનગર મહાનગરપાલિકા દ્વારા કડક દંડાત્મક પગલાં ભરવામાં આવ્
જાહેરમાં કચરો ફેંકતા વેપારીઓ સામે કાર્યવાહી


જામનગર, 08 સપ્ટેમ્બર (હિ.સ.) :

જામનગર શહેરમાં કોમર્શિયલ એકમો, દુકાનો અને ધંધાકીય સ્થળોની આસપાસ સ્વચ્છતા જાળવવામાં બેદરકારી દાખવનારા તેમજ રાત્રિના સમયે જાહેરમાં કચરો નાંખનારા ધંધાર્થીઓ સામે જામનગર મહાનગરપાલિકા દ્વારા કડક દંડાત્મક પગલાં ભરવામાં આવ્યા છે. મહાનગરપાલિકા કમિશનરના સીધા માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલી આ કડક ઝુંબેશ દરમિયાન ઓગસ્ટ માસમાં શહેરના આશરે ૩૮૫૦થી વધુ દુકાનદારો અને કોમર્શિયલ એકમોને ન્યુસન્સ નોટિસ પાઠવીને પોતાના ધંધા-રોજગારના સ્થળની આસપાસ સ્વચ્છતા જાળવવા માટે સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી.

નોટિસ આપવા છતાં કેટલાક વેપારીઓ દ્વારા જાહેરમાં કચરાનો નિકાલ કરવાનું ચાલુ રાખવામાં આવ્યું હતું. ખાસ કરીને રાત્રિના સમયે દુકાન કે ધંધો બંધ કર્યા બાદ બહાર કચરો ફેંકવામાં આવતો હોવાના કિસ્સાઓમાં મહાનગરપાલિકાની ટીમે વહેલી સવારે સ્થળ પર પહોંચીને ફોટોગ્રાફ્સ સાથે પુરાવા એકત્ર કર્યા હતા. આ તપાસ બાદ નિયમભંગ કરનારા જવાબદારો સામે ત્વરિત અને કડક કાર્યવાહી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે જાહેરમાં ન્યુસન્સ ફેલાવવા બદલ ૬૦૦થી વધુ દુકાનદારો અને ધંધાર્થીઓ પાસેથી કુલ રૂ. ૫.૫૦ લાખ જેટલો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.

આ કામગીરી સાથે મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ કોમર્શિયલ એકમો અને વેપારીઓને આકરી તાકીદ કરવામાં આવી છે કે તેઓ પોતાના સ્થાપક ક્ષેત્રમાં સ્વચ્છતા જાળવે, કચરો ફરજિયાત ડસ્ટબીનમાં જ રાખે અને મહાનગરપાલિકાના ગાર્બેજ કલેક્શન વાહનમાં જ તેનો નિકાલ કરે. જાહેરમાં કચરો ફેંકીને શહેરની સુંદરતા અને જાહેર આરોગ્યને નુકસાન પહોંચાડનારા સામે આગામી સમયમાં પણ આવી જ રીતે કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે તેવી સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande