નખત્રાણામાં વીજ વાયરની મોટી ચોરીનો પર્દાફાશ: 4.5 ટનથી વધુ એલ્યુમિનિયમ વાયર સાથે એક ઝડપાયો, ₹13.45 લાખનો મુદ્દામાલ જપ્ત
કચ્છ, 08 સપ્ટેમ્બર (હિ.સ.) : નખત્રાણા પોલીસને એલ્યુમિનિયમના વીજ વાયરની ચોરીના ગુનાનો ભેદ ઉકેલવામાં મહત્વની સફળતા મળી છે. પોલીસે ચોરીના કેસમાં સંડોવાયેલા એક આરોપીને ઝડપી પાડી તેની પાસેથી લાખોની કિંમતનો એલ્યુમિનિયમનો વીજ વાયર, વાહન અને મોબાઇલ સહિત કુ
નખત્રાણા વાયર ચોરી kes


કચ્છ, 08 સપ્ટેમ્બર (હિ.સ.) : નખત્રાણા પોલીસને એલ્યુમિનિયમના વીજ વાયરની ચોરીના ગુનાનો ભેદ ઉકેલવામાં મહત્વની સફળતા મળી છે. પોલીસે ચોરીના કેસમાં સંડોવાયેલા એક આરોપીને ઝડપી પાડી તેની પાસેથી લાખોની કિંમતનો એલ્યુમિનિયમનો વીજ વાયર, વાહન અને મોબાઇલ સહિત કુલ ₹13.45 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. જ્યારે આ ગુનામાં સંડોવાયેલા અન્ય છ શખ્સો પોલીસની પકડથી હજુ બહાર હોવાનું સામે આવ્યું છે.

પોલીસની તપાસ દરમિયાન ઝડપાયેલા આરોપીની ઓળખ સુરેશ રામકિશન કુંમાવત, ઉંમર 21 વર્ષ, મૂળ અંબરગઢ, જિલ્લા ભીલવાડા, રાજસ્થાનનો વતની અને હાલ નાના ચિલોડા, અમદાવાદ ખાતે રહેતો હોવાનું બહાર આવ્યું છે. પ્રાથમિક તપાસમાં વીજ વાયરની ચોરી સાથે સંકળાયેલી ગેંગ અંગે મહત્વની વિગતો પોલીસના હાથે લાગી હોવાનું જાણવા મળ્યું છે.

આ મામલે નખત્રાણા પોલીસ સ્ટેશનમાં પાર્ટ-એ ગુ.ર.નં. 11205035261000/2026 હેઠળ બી.એન.એસ.ની કલમ 303(2), 329(3) અને 54 મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો. ગુનાની તપાસ દરમિયાન પોલીસને ચોરીના માલ અંગે બાતમી મળતાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તપાસના આધારે આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો અને તેની પાસેથી મોટી માત્રામાં એલ્યુમિનિયમનો વીજ વાયર મળી આવ્યો હતો.

પોલીસે જપ્ત કરેલા મુદ્દામાલમાં અલગ-અલગ સાઇઝના એલ્યુમિનિયમના વીજ વાયરના ફીંડલાઓનો સમાવેશ થાય છે, જેનું કુલ વજન આશરે 4,580 કિલોગ્રામ હોવાનું જણાવાયું છે. આ વાયરની કિંમત અંદાજે ₹8.40 લાખ ગણવામાં આવી છે. આ ઉપરાંત GJ-14-Z-5797 નંબરની આઇસર કંપનીની ગાડી, જેની કિંમત આશરે ₹5 લાખ છે, તેમજ ₹5 હજારની કિંમતનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન પણ કબજે કરવામાં આવ્યો છે.

આ ગુનામાં રામકુમાર કુમાવત, યશપાલસિંગ નેનોસિંગ રાજપુત, બાબુ રાવત, સરાજ અનવર કઠાત, બાબુ કઠાત અને કાળુ શિવા નામના શખ્સોની સંડોવણી સામે આવી છે. પોલીસે ફરાર આરોપીઓને ઝડપી પાડવા તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.

પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ. પટેલના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. જયંતીભાઇ માજીરાણા સહિતની ટીમે સમગ્ર કાર્યવાહી હાથ ધરી હતી. નખત્રાણા પોલીસે ચોરીના માલનો મોટો જથ્થો ઝડપી પાડતાં વીજ વાયરની ચોરી કરતી ટોળકી સુધી પહોંચવામાં મહત્વની કડી મળી હોવાનું માનવામાં આવી રહ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande