
જામનગર, 08 સપ્ટેમ્બર (હિ.સ.) :
જામનગર-રાજકોટ હાઇવે પર કાલાવડ નજીક આણંદપર ગામ પાસે કોલેજ સામે રોડ ક્રોસ કરતી વખતે એક ઝડપી કારે મોપેડને જોરદાર ટક્કર મારતાં ગંભીર રીતે ઘવાયેલા 36 વર્ષીય યુવાનનું રાજકોટની સરકારી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ બનાવ અંગે મૃતકના પત્નીની ફરિયાદના આધારે પોલીસે કારચાલક સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની વિગત અનુસાર મૂળ ઓડિશાના વતની અને હાલ કાલાવડ તાલુકાના આણંદપર ગામે મહાવીર લુબ્રિકન્ટ્સમાં રહીને મજૂરીકામ કરતા મનોજ માજી પોતાના મિત્ર શિવવિરસિંઘ સાથે મોપેડ પર ઘરવખરીનો સામાન લેવા માટે જઈ રહ્યા હતા. આ દરમિયાન આણંદપર ગામ પાસે હાઇવે પર રોડ ક્રોસ કરતી વખતે રાજકોટ તરફથી પૂરઝડપે અને બેદરકારીપૂર્વક આવતી સફેદ કારના ચાલકે તેમના મોપેડને ટક્કર મારી દીધી હતી.
અકસ્માતને કારણે મોપેડની પાછળ બેઠેલા મનોજ રોડ પર ફેંકાઈ જતાં તેમને માથાના પાછળના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જ્યારે મોપેડ ચલાવનાર તેમના મિત્રને ઈજાઓ થઈ હતી.
અકસ્માત સર્જાયા બાદ કારચાલકે થોડી વાર કાર ઊભી રાખીને ઈજાગ્રસ્તો પાસે રોકાયા પછી ત્યાંથી નીકળી ગયો હતો. ગંભીર રીતે ઘવાયેલા મનોજને તાત્કાલિક સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે મૃતકના પત્ની માનસીબેન માજી દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદને આધારે પોલીસે કારચાલક સામે કેસ નોંધી આગળની તપાસ શરૂ કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt