
જામનગર, 08 સપ્ટેમ્બર (હિ.સ.) :
જામનગરના બેડેશ્વર વિસ્તારમાં પાડોશીઓ વચ્ચે સામાન્ય બાબતે થયેલી બોલાચાલી બાદ ઉશ્કેરાયેલા ચાર શખ્સોએ પિતા-પુત્રી પર હુમલો કરી માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. બનાવ અંગે સીટી બી ડિવિઝન પોલીસ મથકે ચાર સામે ગુનો નોંધાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બેડેશ્વર આઝાદ ચોક વિસ્તારમાં રહેતા ગુલામભાઈ આમદભાઈ કોરેજા નામના આધેડ ઘરે હાજર હતા ત્યારે બહાર દેકારો થતાં તેઓ આવી પહોંચ્યા હતા. તેમની પુત્રી મુસ્કાને પાડોશમાં રહેતા હુસેન હારૂન છેર, કાદર હનીફ છેર, નાસીર હનીફ છેર અને સુલતાન ગની છેર નામના ચાર શખ્સોએ તેને લાતો મારી હોવાનું જણાવ્યું હતું. આથી ગુલામભાઈ પોતાની દીકરીને કેમ માર માર્યો તે અંગે ખુલાસો પૂછવા માટે પાડોશીઓ પાસે ગયા હતા. આ બાબતનો ખાર રાખી હુસેન અને કાદર સહિતના શખ્સોએ લાકડાના ધોકા સાથે ગુલામભાઈ સાથે ગાળાગાળી કરી ઝઘડો શરૂ કર્યો હતો.
દરમિયાન નાસીર અને સુલતાન પણ ત્યાં આવી પહોંચતા ચારેય શખ્સોએ ઝપાઝપી શરૂ કરી હતી. આ મારામારીમાં વચ્ચે પડેલા ગુલામભાઈના મોટાભાઈ આમીનભાઈને પણ મુઢ ઈજાઓ પહોંચી હતી, જ્યારે હુમલાખોરોએ લાકડાના ધોકા વડે ગુલામભાઈના માથામાં ગંભીર ઈજા પહોંચાડતા તેમને સારવાર અર્થે જી.જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં માથાના ભાગે પાંચ ટાંકા આવ્યા હતા.
માત્ર હુમલો કરીને જ ન અટકતા, આ શખ્સોએ ઉશ્કેરાટમાં આવીને ગુલામભાઈ તથા તેમના ભાઈની માલિકીની બલેનો અને ઈકો કારના કાચ પર લાકડાના ધોકા તથા પથ્થરો મારી તોડફોડ કરી હતી, જેનાથી અંદાજે રૂ.30 હજારનું નુકસાન થયું હતું. ઘટના સ્થળે પોલીસ કાફલો પહોંચતા ચારેય આરોપીઓ પોલીસ ફરિયાદ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપીને ભાગી છૂટ્યા હતા. આ મામલે પોલીસે ગુલામભાઈની ફરિયાદના આધારે ચારેય આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો તેમજ જી.પી. એક્ટ હેઠળ ગુનો નોંધી તેમની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt