


પોરબંદર, 08 સપ્ટેમ્બર (હિ.સ.)સુદામાની નગરી પોરબંદરમાં યોજાઈ રહેલા શ્રી કૃષ્ણ સખા સુદામા લોકમેળા–૨૦૨૬ના પાંચમા દિવસે ચોપાટી મેદાન ખાતે યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં છાયાના સ્થાનિક બાળ કલાકાર કરણ ગોસ્વામીએ સંતવાણી-ડાયરાની રમઝટ બોલાવી ઉપસ્થિત શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. બાળ કલાકાર કરણ ગોસ્વામીએ પોતાની આગવી ગાયકી અને મધુર કંઠે ‘મથુરાના રાજા’, ‘કાનુડો શું જાણે મારી પ્રીત’, ‘જાળીને મનોરથ’, ‘માળી લે માયા ને જીવ તું’, ‘અધીરોને વ્યાકુળ થઈને’, ‘શિવ શક્તિ કેરો સાથ, ભોળાને ભજી લ્યો દિવસ રાત’ તેમજ ‘બાકી તો બધું ખોટું, એક તારો મારગ હાસો’ સહિતની સંતવાણી અને લોકપ્રિય કૃતિઓ રજૂ કરી હતી. તેમની ભાવસભર ગાયકીથી સાંસ્કૃતિક મંચ પર લોકસંગીતનો માહોલ જામ્યો હતો. આ રજૂઆત દરમિયાન બેન્જો માસ્ટર જયેશભાઈ ગોસ્વામી, તબલા વાદક ધ્રુવભાઈ પ્રજાપતિ (ઉપલેટા) અને ઢોલક વાદક વિશાલ ઓડેદરાએ સંગીતની સુંદર સંગત આપી હતી. નાની વયે કરણ ગોસ્વામી દ્વારા કરવામાં આવેલી સુંદર અને ભાવસભર રજૂઆતને ઉપસ્થિત લોકોએ વધાવી હતી. બાળ કલાકારની સંતવાણીથી ચોપાટી મેદાનમાં ઉત્સાહ અને આનંદનો માહોલ છવાયો હતો. લોકમેળાના સાંસ્કૃતિક મંચ પર સ્થાનિક બાળ કલાકારને મળેલું આ સ્થાન પોરબંદરની લોકસંસ્કૃતિ અને સ્થાનિક કલા પ્રતિભાને પ્રોત્સાહન આપતું સાબિત થયું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya