


પોરબંદર, 08 સપ્ટેમ્બર (હિ.સ.)પોરબંદરમાં આયોજિત 'શ્રાવણ ઉત્સવ' મેળો ગ્રામ્ય વિસ્તારોની બહેનોની કલા, કૌશલ્ય અને મહેનતને લોકો સુધી પહોંચાડવાનું માધ્યમ પણ બન્યો છે. અહીં હસ્તકલા અને પરંપરાગત ભરતકામથી તૈયાર કરવામાં આવેલી અવનવી ચીજવસ્તુઓ મુલાકાતીઓમાં ખાસ આકર્ષણનું કેન્દ્ર બની રહી છે.
જામનગર નજીક આવેલા બેડ ગામના પૂરીબેન રબારી પોતાના ‘સોમનાથ સખી મંડળ’ વતી લોકમેળામાં સ્ટોલ લગાવી પોતાની કલાકૃતિઓનું વેચાણ કરી રહ્યાં છે. તેમના સ્ટોલ પર બહેનો દ્વારા પોતાના હાથે તૈયાર કરવામાં આવેલી પરંપરાગત ભરતકામની વસ્તુઓ સહિત વિવિધ આકર્ષક હસ્તકલાની ચીજવસ્તુઓ ઉપલબ્ધ છે.
પૂરીબેને જણાવ્યું હતું કે, ‘સોમનાથ સખી મંડળ’ સાથે કુલ 18 બહેનો જોડાયેલી છે અને તમામ બહેનો પોતાની કલા અને હુનરને રોજગાર સાથે જોડીને આત્મનિર્ભર બનવા માટે મહેનત કરી રહી છે. પોતાના હાથથી બનાવેલી ચીજવસ્તુઓને લોકો પસંદ કરે અને તેના બદલામાં બહેનોને મહેનતનું યોગ્ય વળતર મળે તે તેમના માટે સૌથી મોટો ઉત્સાહ છે. સતત બીજા વર્ષે પોરબંદરના મેળામાં આવવાની તક મળતા તેઓ ખૂબ ખુશ છે.
મેળામાં તેમની કલાકૃતિઓને સ્થાનિક નાગરિકો અને મુલાકાતીઓ તરફથી ઉત્સાહજનક પ્રતિસાદ મળી રહ્યો છે. બહેનોના હાથની કારીગરીને લોકો દ્વારા મળતી પ્રશંસા અને થતું સારું વેચાણ તેમના ચહેરા પર સંતોષ અને ખુશી લાવી રહ્યું છે. ઘરમાં રહીને પોતાની કલા વડે આવક ઊભી કરતી આ બહેનો માટે આવા મેળા માત્ર વેચાણનું સ્થળ નથી, પરંતુ પોતાની ઓળખ અને આત્મવિશ્વાસને વધુ મજબૂત બનાવવાનું માધ્યમ પણ બની રહ્યા છે.
આ તકે પૂરીબેને ગુજરાત સરકાર તથા GLPC (ગુજરાત લાઇવલીહૂડ પ્રમોશન કંપની)નો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, સરકાર દ્વારા આવા મેળાઓમાં સખી મંડળોની બહેનોને સ્ટોલ અને વેચાણ માટે પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે છે, જેના કારણે ગ્રામ્ય બહેનોની વર્ષોની મહેનત અને કારીગરીને સીધું બજાર મળી રહે છે. આવા પ્રયાસોથી બહેનોને પોતાની કલા પર ગર્વ કરવાની સાથે પોતાના પગભર બનવાની નવી તક મળી રહી છે અને પરિવારની આવકમાં પણ તેઓ મહત્વનું યોગદાન આપી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya