

પાટણ, 08 સપ્ટેમ્બર (હિ.સ.)પાટણ શહેરમાં ભૂગર્ભ ગટર ઉભરાવાની સમસ્યા ગંભીર બની છે. છેલ્લા ત્રણ દિવસથી ગટર મરામતની કામગીરી બંધ હોવાથી અનેક વિસ્તારોમાં ગંદુ પાણી રસ્તા પર ફરી વળ્યું છે.
ગટર મરામત કરતી જૂની એજન્સીના ટેન્ડરની મુદત પૂર્ણ થઈ ગઈ છે. છેલ્લા 9 મહિનાથી એજન્સીના બિલો ચૂકવાયા ન હોવાનું અને મુદત વધારો પણ ન મળતા કામગીરી બંધ કરાઈ હોવાનું જણાવાયું છે.
નવી એજન્સી અંગે સમયસર નિર્ણય ન લેવાતા શહેરમાં વૈકલ્પિક વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી નથી. પરિણામે ગંદા પાણી અને દુર્ગંધના કારણે નાગરિકો પરેશાન થઈ રહ્યા છે અને આરોગ્ય સામે જોખમ ઊભું થયું છે.
આ મુદ્દે પાટણ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ દિપક પટેલ સહિતના કાર્યકરો નગરપાલિકામાં આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા. કોંગ્રેસે આક્ષેપ કર્યો કે નગરપાલિકા પ્રમુખે રજૂઆત સાંભળ્યા વિના પરિસર છોડી દીધું હતું.
કોંગ્રેસે સત્તાધીશો અને અધિકારીઓ પર બેદરકારી તથા સંકલનના અભાવનો આરોપ લગાવ્યો છે. સમગ્ર મામલે કોઈ ગેરરીતિ કે મિલીભગત હોય તો નિષ્પક્ષ તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે.
કોંગ્રેસે ગટર મરામતનું કામ તાત્કાલિક શરૂ કરવા, જૂની એજન્સીના બાકી બિલ ચૂકવવા અને નવી ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માંગ કરી છે. પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો આંદોલન ચાલુ રાખવાની ચીમકી પણ અપાઈ છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ