

- કાઉન્ટરોમાં વધારો, ટોકન સિસ્ટમ અને વોટ્સએપ પર રિપોર્ટ: સિવિલ હોસ્પિટલમાં દર્દીઓએ હવે વધુ રાહ નહી જોવી પડે.- 'પેશન્ટ ફ્લો' સુવ્યવસ્થિત કરી દર્દીઓને ઝડપી સેવા આપવા હોસ્પિટલ તંત્ર કટિબદ્ધ: તબીબી અધિક્ષક ડો. રાકેશ જોષી
અમદાવાદ, 09 સપ્ટેમ્બર (હિ.સ.) : અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા દર્દી કેન્દ્રિત વ્યવસ્થાપન તરફ વધુ એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. દરરોજ હજારોની સંખ્યામાં આવતા દર્દીઓને ઝડપી, સુગમ અને દર્દી-મૈત્રીપૂર્ણ સારવાર મળી રહે તે માટે હોસ્પિટલ તંત્ર દ્વારા કતાર વ્યવસ્થાપન અને ભીડ નિયંત્રણ માટે સંકલિત અને સુદૃઢ આયોજન અમલમાં મૂકવામાં આવ્યું છે. આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ રાજીવ ટોપનો તેમજ કમિશ્નર ડો.સંધ્યા ભુલ્લરના માર્ગદર્શન હેઠળ સિવિલ હોસ્પિટલ દ્વારા આ નવીન વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી છે.
હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો.રાકેશ જોષીએ આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, “આ તમામ પ્રયાસોનો મુખ્ય હેતુ માત્ર કતાર ઘટાડવાનો નથી, પરંતુ દર્દીને યોગ્ય સેવા યોગ્ય સ્થળે અને શક્ય તેટલા ઓછા સમયમાં મળે તે માટે સમગ્ર ‘પેશન્ટ ફલો’ને સુવ્યવસ્થિત કરવાનો છે. વિવિધ સેવાઓને અલગ-અલગ સ્થળે વિતરિત કરીને એક જ જગ્યાએ ભીડની પરિસ્થિતિ ટાળવામાં આવી છે, જેનાથી દર્દીઓનો રાહ જોવાનો સમય નોંધપાત્ર રીતે ઘટ્યો છે.”
OPD કેસ બારીઓમાં વધારો: રોજના 3500 થી 4000 દર્દીઓમાંથી અંદાજે 2000 નવા કેસ નીકળતા હોય છે. આ માટે કેસ બારીઓની સંખ્યા 9 થી વધારીને 12 કરવામાં આવી છે. આ ઉપરાંત, ભીડ ઘટાડવા ઇન્ડોર કેસબારી, બિલિંગ અને રિપોર્ટ કાઉન્ટરને OPD થી અલગ કરાયા છે.
ટોકન આધારિત કતાર અને બેઠક વ્યવસ્થા: ઓર્થોપેડિક, મેડિસિન, સર્જરી, સ્કિન, સ્ત્રીરોગ અને પીડિયાટ્રિક સહિતની તમામ મેજર OPD માં ટોકન સિસ્ટમ શરૂ કરી બેસવાની આરામદાયક વ્યવસ્થા કરાઈ છે. અમલીકરણ માટે નર્સિંગ, સિક્યુરિટી અને કાઉન્સિલર અથવા દર્દી સહાયકની ટીમો તૈનાત છે. આ ટીમો દ્વારા દરેક મેજર ઓપીડીમાં બનાવેલ ટોકન આધારિત કતાર સિસ્ટમ અને દર્દીઓની અવરજવરનું અમલીકરણ થાય તે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે.
સાંજની ફોલો-અપ OPD: સવારનો ધસારો ઓછો કરવા ફોલો-અપ દર્દીઓને સાંજના સમયે બોલાવવા તબીબોને સૂચના આપવામાં આવી છે.
આગામી સમયમાં હોસ્પિટલમાં વધુ સારા અને યોગ્ય માહિતી દર્શક સાઈનેજીસ(સંકેતો) દ્વારા દર્દીઓને વધુ સરળતાથી અને સુગમ રીતે વિવિધ આરોગ્ય સેવાઓ પ્રાપ્ત થાય એ માટે પણ વિચારણા કરવામાં આવી છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા લેવાયેલા આ શ્રેણીબદ્ધ દર્દી-હિતલક્ષી નિર્ણયોના પરિણામે સમગ્ર હોસ્પિટલ પરિસરમાં આરોગ્ય સેવાઓ વધુ ઝડપી અને સુવ્યવસ્થિત બની છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ