
બોટાદ,09 સપ્ટેમ્બર (હિ.સ.) ગુજરાતમાં વરસાદ ખેંચાવાની સ્થિતિ સર્જાય ત્યારે ઉભા પાકને રક્ષણ આપવા અને જમીનમાં ભેજ જાળવી રાખવા માટે કૃષિ વિભાગ દ્વારા ખેડૂતોને જરૂરી કાળજી રાખવા માર્ગદર્શન આપવામાં આવ્યું છે. વરસાદના અભાવે જમીનમાં ભેજની ખોટ સર્જાતા પાકની વૃદ્ધિ અને ઉત્પાદન પર પ્રતિકૂળ અસર થઈ શકે છે. તેથી ખેડૂતોએ સમયસર પગલાં લેવા જરૂરી છે.
જમીન અને પાકની સ્થિતિ મુજબ સમયસર આંતરખેડ કરી નીંદણ દૂર કરવાથી જમીનનો ભેજ અને પોષક તત્વો મુખ્ય પાકને મળી રહે છે. જમીનમાં ભેજ જાળવવા બે ચાસ વચ્ચે સૂકું ઘાસ, પાંદડા અથવા પ્લાસ્ટિકથી મલ્ચિંગ કરવાથી પાણીનું બાષ્પીભવન ઘટાડી શકાય છે.
મર્યાદિત પાણી ઉપલબ્ધ હોય ત્યારે ધોરિયા પિયતની જગ્યાએ ટપક અથવા ફુવારા પદ્ધતિ અપનાવવી વધુ અસરકારક છે. પાકમાં ફૂલ આવવા અથવા દાણા ભરાવા જેવી કટોકટીની અવસ્થાએ ખાસ પિયત આપવું જોઈએ. પાણીની અછત વધુ હોય તો એકાંતર ચાસમાં પિયત આપવાની પદ્ધતિ અપનાવી શકાય છે.
ભેજની અછત સામે છોડની તણાવ સહન કરવાની ક્ષમતા વધારવા માટે 1 થી 2 ટકા યુરિયા અથવા પોટેશિયમ નાઇટ્રેટ (13:0:45)ના દ્રાવણનો છંટકાવ કરી શકાય છે. જમીનમાં ભેજ ખૂબ ઓછો હોય ત્યારે વધારાના અને નબળા છોડ દૂર કરી પારવણી કરવાથી બાકીના છોડને પૂરતો ભેજ મળી રહે છે. પાક પરિપક્વ થાય ત્યારે સમયસર કાપણી કરવી પણ જરૂરી છે.
વધુ માર્ગદર્શન માટે ખેડૂતો ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી, મદદનીશ ખેતી નિયામક, જિલ્લા ખેતીવાડી અધિકારી અથવા નજીકના કૃષિ વિજ્ઞાન કેન્દ્રનો સંપર્ક કરી શકે છે. કિસાન કોલ સેન્ટરના ટોલ ફ્રી નંબર 1800-180-1551 પર પણ માર્ગદર્શન મેળવી શકાય છે.
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA