મોડાસા,1 ઓક્ટોબર (હિ.સ.) નિષ્પક્ષ અને ન્યાયિક ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવા બંને બોર્ડર રાજ્ય અને જિલ્લાના વહીવટીતંત્ર કટિબધ્ધ
ડુંગરપુર બેઠકની પેટાચૂંટણીની આદર્શ આચારસંહિતા અંતર્ગત ગુજરાત – રાજસ્થાન બોર્ડરને કારણે બંને રાજ્ય સાથે સંકળાયેલા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી, પોલીસ અધિક્ષક તથા અધિકારી સાથે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે યોજાયેલી આ બેઠકમાં રાજસ્થાન બોર્ડરને અડીને આવેલા અરવલ્લી અને મહીસાગર જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના ઉચ્ચ અધિકારીઓએ ચુંટણી લગતી ચર્ચાઓ કરી.
સ્વતંત્ર, નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાય તે માટે ગેરકાયદેસર રીતે પ્રવેશતા દારૂ તથા હથિયારો, રોકડ રકમ અને ગુંડા તત્વોને અટકાવવાના હેતુથી આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. અત્રે ગુજરાત અને રાજસ્થાન રાજ્યની બોર્ડર પર જીલ્લાવાર અને સંયુક્ત નાકાબંધી યોજના બનાવવી, બોર્ડરથી નજીક આવેલા મતદાન કેન્દ્રોની યાદીની એક બીજા રાજ્ય સાથે આપ લે કરવી, ચૂંટણી સમય દરમિયાન આવનારી સમસ્યાઓનું સંયુક્ત રીતે નિરાકરણ લાવવું જેવા વિવિધ મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવી હતી.
આ મિટિંગમાં અરવલ્લી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર પ્રશસ્તિ પરીક, ડુંગરપુર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અંકિત સીંઘ, IGP પંચમહાલ, IGP બાંસવાડા, અરવલ્લી પોલીસ અધિક્ષક ,મહીસાગર પોલીસ અધીક્ષક , ડુંગરપુર પોલીસ અધિક્ષક , ADM મોડાસા, SDM મોડાસા, SDM ચીખલી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ