ભાજપના જ ધારાસભ્યએ ખોલી દીધી સરકારની વિકાસની પોલ, 1990થી સત્તા છતાં વિકાસના નામે મીંડુ
સુરત, 14 ડિસેમ્બર (હિ.સ.)-સુરત મહાનગરપાલિકામાં 1990થી ભાજપનું રાજ છે. પરંતુ આટલા વર્ષો પછી પણ ભાજપ કોટ વિસ્તારમાં તમામ સુવિધાઓ આપવા માટે નિષ્ફળ ગઈ છે. સેન્ટ્રલ ઝોનમાં પાયાની સુવિધાનો અભાવ હોવાથી ઘણા પરિવારો ઝોન છોડી રહ્યાં છે આ હીજરતના કારણે કોટ વિસ્
Surat


સુરત, 14 ડિસેમ્બર (હિ.સ.)-સુરત મહાનગરપાલિકામાં 1990થી ભાજપનું રાજ છે. પરંતુ આટલા વર્ષો પછી પણ ભાજપ કોટ વિસ્તારમાં તમામ સુવિધાઓ આપવા માટે નિષ્ફળ ગઈ છે. સેન્ટ્રલ ઝોનમાં પાયાની સુવિધાનો અભાવ હોવાથી ઘણા પરિવારો ઝોન છોડી રહ્યાં છે આ હીજરતના કારણે કોટ વિસ્તાર ખાલી થયો છે. આવો આરોપ વિપક્ષે નહી પરંતુ ભાજપના જ એક ધારાસભ્યએ કર્યો છે. શહેરના પૂર્વ વિધાનસભાના ધારાસભ્યએ સેન્ટ્રલ ઝોનમાં સીસી રોડ બનાવવા માટેની માંગણી કરી છે તેમાં આ પ્રકારનો ઉલ્લેખ કર્યો છે તેના કારણે ભાજપ દ્વારા પાયાની સુવિધા આપવામાં આવી ન હોવાની સીધી કબુલાત કરી દીધી છે. જેથી વિકાસના ફૂલાયેલા ફુગ્ગાની હવામાં લેટર બોમ્બ પડ્યો હોવાની ચર્ચા શરૂ થઈ.

સુરતના પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય અરવિંદ રાણાએ શહેરના કોટ વિસ્તારમાં 9 મીટર કે તેથી વધુ પહોળાઈના રસ્તા સીસી રોડ બનાવવા માટેની માંગણી કરી છે. આ પ્રકારની માગણી સાથે તેઓ મેયર દક્ષેશ માવાણીને સંબોધીને પત્ર લખ્યો છે જેમાં જણાવ્યું છે કે, આગામી બજેટમાં સેન્ટ્રલ ઝોનમાં 9.00 મીટર કે તેથી વધુ પહોળાઈવાળા તમામ રસ્તાઓ સી.સી. રોડ બનાવવામાં માટે જોગવાઈ કરવામા આવે તેવી માંગણી કરી છે.

તેઓએ વધુમાં જણાવ્યું છે કે, સેન્ટ્રલ ઝોનની ગલીઓ રસ્તાઓમાં પરા-પર્વથી ડામરના રસ્તા હોવાથી દર બે-ત્રણ વર્ષે કારપેટ-રીકાર્પેટ કરવામાં લાખો રૂપિયાનો ખર્ચ થાય, દર વરસાદમાં રસ્તાઓ તુટી જાય, ખાડા પડી જાય, વારંવાર રીપેર કરવા પડે અને રસ્તાની ઉંચાઈ વધવા માંડે છે. મકાનના આંગણા નીચા થતાં જાય છે. લાખો-કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે. જાહેર નાણાંનો વ્યય થાય છે. જેનો ઉકેલ સીસી રોડ બનાવીને થઈ શકે છે.

જોકે, તેઓએ મેયરને લખેલા પત્રમાં સ્પષ્ટ જણાવ્યું છે કે, વર્ષ 2016 થી સેન્ટ્રલ ઝોનની તમામ પાયાની સુવિધા ડ્રેનેજ-પાણીની લાઈનો બદલવાનું કામ ચાલે છે. લોકો હેરાન-પરેશાન થાય છે. છતાં સુવિધા પ્રાપ્ત થવાની હોય સહન કરે છે. સેન્ટ્રલ ઝોનમાં ગીચ વસ્તી અને વર્ષોથી કોર્પોરેશનના વેરા ભરતા હોવા છતાં સાર્વજનિક સુવિધાઓ સેન્ટ્રલ ઝોનમાં ઉપલબ્ધ થતી નથી. વિકાસનો કોઈ મોટા કામો થતા નથી. સેન્ટ્રલ ઝોનના લોકોના વેરાના નાણાં શહેરના અન્ય ઝોનના વિકાસના કામોમાં કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે.

પત્રમાં પોતાના પક્ષની સરકાર પાલિકાથી માંડીને રાજ્યમાં છે તેમ છતાં પણ સેન્ટ્રલ ઝોનમાં સુવિધાનો અભાવ હોવાનું લેખિતમાં કબુલ્યું છે. તેઓએ સ્પષ્ટ કહ્યું છે સેન્ટ્રલ ઝોનમાં પાયાની સુવિધાનો અભાવ, ખાડાવાળા રસ્તાને લીધે ઘણા પરિવારો ઝોન છોડીને અન્ય ઝોનમાં હીજરત થવાથી કોટ વિસ્તાર ખાલી થવા લાગ્યો છે. ધારાસભ્ય અરવિંદ રાણાએ લેખિતમાં કબૂલાત કરી છે કે, સેન્ટ્રલ ઝોનમાં પાયાની સુવિધાનો અભાવ છે. 1990થી ભાજપનું શાસન છે અને કોટ વિસ્તાર ભાજપનો ગઢ છે તેમ છતાં આટલા વર્ષો બાદ પાયાની સુવિધાનો અભાવ છે અને લોકો હિજરત કરી રહ્યાં છે તે મોટી વાત છે આ ધારાસભ્યની વ્યથા છે અને તેઓએ પત્ર દ્વારા વ્યક્ત કરી છે. ધારાસભ્યએ જે શબ્દો લખ્યા છે તે હીજરત અને સાર્વજનિક સુવિધાઓ નથી તે ભાજપ માટે આત્મમંથન કરવા જેવું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે

 rajesh pande