ગીર સોમનાથ, 27 ડિસેમ્બર (હિ.સ.). જિલ્લામાં કેટલીક હોસ્પિટલો દ્વારા બાયોમેડિકલ વેસ્ટને ખુલ્લામાં નાખતા હોવાનું અને આ બાયોમેડિકલ વેસ્ટના દહનથી દુર્ગંધ અને ધુમાડો ફેલાતા આજુબાજુ રહેનારા લોકોના સ્વાસ્થ્ય પર હાનિકારક અસર થાય છે. આ ગંભીર બાબત ધ્યાને લઈ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ રાજેશ આલ દ્વારા બાયોમેડિકલ વેસ્ટ અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
આ જાહેરનામામાં જણાવાયું છે કે, હોસ્પિટલમાં બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ-૨૦૧૬માં થયેલ જોગવાઈ મુજબ બાયોમેડિકલ વેસ્ટનું સેગ્રીગેશન, ટ્રીટમેન્ટ અને ડિસ્પોઝ થાય અને જેથી લોકોના સ્વાસ્થ્યને તથા પર્યાવરણ પર આડઅસર ન થાય તે સારું જિલ્લાની તમામ હોસ્પીટલોને ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ દ્વારા આપવામાં આવેલ ઓથોરાઈઝેશન સર્ટિફિકેટ, કોમન બાયોમેડિકલ વેસ્ટ ડિસ્પોઝલ ફેસીલીટીનું મેમ્બરશીપ રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ તથા નિયત નમૂનાનું સાઈન બોર્ડ લોકો સરળતાથી જોઈ શકે એવી રીતે રાખવું ફરજિયાત છે.
આ નિયત નમૂનાના સાઈનબોર્ડમાં પ્રમાણપત્રની વિગતમાં ઇન્ડોર કેપેસિટી, જીપીસીબીનું ઓથોરાઈઝેશન સર્ટિફિકેટ, કોમન બાયોમેડિકલ વેસ્ટ ડિસ્પોઝલ ફેસીલીટીનું મેમ્બરશીપ રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ, બાયોમેડિકલ વેસ્ટ સેગ્રીગેશન માટે સ્ટાફને ટ્રેનિંગ આપેલ છે કે કેમ ?અને ક્યારે આપેલ છે? તેની વિગતો તેમજ પ્રમાણપત્ર ઈશ્યૂ કરનાર ઓથોરિટી, હુકમ નંબર તથા તારીખ, વેલિડિટી અને રિમાર્ક્સની કોલમ હોવી જોઈએ. આ સાઈનબોર્ડ લોકો સરળતાથી જોઈ શકે તેવી રીતે રાખવાના રહેશે તેમ જાહેરનામામાં જણાવાયું છે. આ હુકમ ૩૦ ડિસેમ્બર ૨૦૨૪થી ૬૦ દિવસ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ