વડોદરા, 28 ડિસેમ્બર (હિ.સ.)-વડોદરાના દરજીપુરામાં દરોડા પાડવા ગયેલી SMCની ટીમ પર બુટલેગર અને તેના મળતિયાઓ દ્વારા હુમલો કર્યો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. બુટલેગરો દ્વારા દારૂનું કટિંગ થતું હતું એ સમયે જ ગઈકાલે મોડી રાત્રે 12.30 કલાકે બાતમીના આધારે SMCએ દરોડા પાડ્યા હતા. આ દરમિયાન પોલીસ પર બુટલેગરોએ હુમલો કર્યો હોવાનું જાણવા મળ્યું છે. રેડ કરવા માટે આવેલા એસએમસીના પી.એસ.આઇ.એ સ્વ બચાવ માટે બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. એસએમસી દ્વારા રૂપિયા 22 લાખનો વિદેશી દારૂનો જથ્થો અને ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. પથ્થરમારામાં ઇજાગ્રસ્ત થયેલા કેટલા કર્મચારીઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
આ ઉપરાંત એક ફોર્ચ્યુનર કાર અને એક કન્ટેનર પણ પોલીસ દ્વારા કબ્જે કરવામાં આવ્યું છે. અંદાજીત કુલ 60 લાખનો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો છે. ઘટનામાં નાસી છૂટેલા કુખ્યાત બુટલેગર ઝુબેર શફી મેમણ સહિત અન્ય પાંચને વોન્ટેડ જાહેર કરવામા આવ્યા છે. તમામ આરોપી અને મુદ્દામાલ હરણી પોલીસ મથકને સોંપવામાં આવ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે