સુરત, 28 ડિસેમ્બર (હિ.સ.)-સુરતમાં હત્યાના બનાવોમાં વધારો થયો છે. ત્યારે પાંડેસરા વિસ્તારમાં આવેલા હેલ્થ સેન્ટરની ગલીમાં એક યુવકની જૂની અદાવતમાં હત્યા નિપજાવવામાં આવતા ચકચાર મચી છે. હત્યા નિપજાવનાર આરોપી ગાંજાનો ધંધો કરતો હોવાનો મૃતકના પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
પાંડેસરા વિસ્તારમાં આવેલા હેલ્થ સેન્ટરની ગલીમાં મૃતક દિપક રવિન્દ્ર અને તેના મિત્ર દિપકસિંહ ઉર્ફે બાટલા બેઠા હતા ત્યારે આરોપી ક્રિષ્ના તિવારી અને મનીષ પ્રજાપતિ ત્યાં આવ્યા. બંને પક્ષો વચ્ચે પહેલા થયેલા ઝઘડાની અદાવતને કારણે બોલાચાલી શરૂ થઈ હતી. આરોપી ક્રિષ્ના તિવારીએ દિપક સાવને પકડી રાખ્યો અને મનીષ પ્રજાપતિએ પોતાની પાસે રહેલી કાતર વડે દિપકના મોઢા, ગળા, છાતી અને પીઠ પર ઘા મારીને ગંભીર રીતે ઈજા કરી. આ જીવલેણ હુમલાના પગલે દિપક લોહી લુહાણ હાલતમાં પડી ગયો હતો અને આરોપીઓ ભાગી છૂટ્યા હતા.
મૃતક દિપકની પત્ની શ્રીકાંતીકુમારીએ પોલીસમાં ફરીયાદ નોંધાવી છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે દિપક સાવ અને આરોપીઓ વચ્ચે અગાઉ કોઈ વ્યક્તિગત વિવાદ થયો હતો. આ વિવાદ ઝઘડામાં ફેરવાતાં અને અદાવતનું કારણ બનતાં દિપકની હત્યા થઈ હતી. ઘટનાના સમાચાર મળતાં પાંડેસરા વિસ્તારમાં ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસ હવે આરોપી ક્રિષ્ના તિવારી અને મનીષ પ્રજાપતિની શોધખોળ કરી રહી છે. બંને વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે.આ ઘટના જુના ઝઘડા અને અદાવતના કારણે બનેલી છે, જેમાં દિપકનો જીવ ગયો છે. આ હદયવિદારક ઘટનાએ સુરતના પાંડેસરા વિસ્તારના લોકોમાં ભય પેદા કર્યો છે. પોલીસ દ્વારા સઘન તપાસ ચાલુ છે, અને આરોપીઓને ઝડપી લેવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે