ભીખાજી ગરીબ છે, એટલે તેમની ટિકિટ કપાઈ':કોંગ્રેસ ઉમેદવાર તુષાર ચૌધરીના ભાજપ પર તીખા વેણ, કહ્યું-'ભાજપ ગરીબને દિલ્હી નથી બતાવતો, નહીં તો એ ટેવાઈ જાય'
મોડાસા,23 એપ્રિલ (હિ.સ.) હાલ મુખ્ય રાજકીય પાર્ટીઓ- ભાજપ અને કોંગ્રેસ મતદારોને રીઝવવા તેમજ તેમને પો
ભીખાજી ગરીબ છે, એટલે તેમની ટિકિટ કપાઈ':કોંગ્રેસ ઉમેદવાર તુષાર ચૌધરીના ભાજપ પર તીખા વેણ, કહ્યું-'ભાજપ ગરીબને દિલ્હી નથી બતાવતો, નહીં તો એ ટેવાઈ જાય'


મોડાસા,23 એપ્રિલ (હિ.સ.) હાલ મુખ્ય રાજકીય પાર્ટીઓ- ભાજપ અને કોંગ્રેસ મતદારોને રીઝવવા તેમજ તેમને પોતાની તરફેણમાં કરવા ગામડે-ગામડે ફરી એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. મેઘરજના ભીખાજીના વિસ્તારમાં કોંગ્રેસના તુષાર ચૌધરીની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. કોંગ્રેસના ઉમેદવાર તુષાર ચૌધરીએ ભાજપ પર તીખા આક્ષેપ કરતાં કહ્યું હતું કે ભાજપે ભીખાજી ઠાકોરની ટિકિટ એટલે કાપી, કારણ કે એ ગરીબ છે અને ગરીબને દિલ્હી ના બતાવાય, નહિ તો તેઓ ટેવાઈ જાય. આમ, એક વખત ટિકિટ આપ્યા પછી પાછી લઈ તેમનું અપમાન કર્યું છે, આ અપમાનનો બદલો લેવા માટે કોંગ્રેસને મત આપજો.

લોકસભાની ચૂંટણીના હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે બંને પક્ષો ચૂંટણીપ્રચારમાં જોડાયેલા છે. વિવિધ જગ્યાએ સભાઓ કરી મતદારોને જીતવા પ્રયત્ન કરતા હોય છે. ખાસ કરીને લોકસભાની સાબરકાંઠાની બેઠક ચર્ચામાં છે, કારણ કે ત્યાં ભાજપના ભીખાજીની ટિકિટ કપાઈ અને શોભનાબેનની ટિકિટ ફાઇનલ થતાં વિરોધનો વંટોળ જોવા મળ્યો હતો, જેથી ભીખાજીના સમર્થકોમાં આજે પણ ભારે રોષ યથાવત્ છે, એના વચ્ચે હવે કોંગેસ બાજી મારી જાય તો નવાઈ નહિ.

હાલ ચૂંટણીના પ્રચાર અંતર્ગત સાબરકાંઠા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર તુષાર ચૌધરી પુરજોશમાં પ્રચાર કરી રહ્યા છે. તેઓ ખાસ કરીને ગામડાંમાં ખાટલા બેઠક કરી મતદારોને રીઝવી રહ્યા છે, જેમાં મેઘરજ તાલુકામાં તુષાર ચૌધરીની ધમાકેદાર એન્ટ્રી થતાં ભીખાજીના વિસ્તારમાં પ્રચાર અર્થે જોડાયા હતા. એમાં બાઠીવાડા, ભૂતિયા, બેલ્યો, સારંગપુર, મેઘરજ, રામગઢી વિસ્તારમાં બેઠકો કરી હતી પ્રચાર-પસાર કર્યો હતો

પ્રચાર દરમિયાન કોંગ્રેસના ઉમેદવાર તુષાર ચૌધરીએ જણાવ્યું હતું કે કોંગ્રેસ સરકાર એ ગરીબની સરકાર છે. કોંગ્રેસ સરકારમાં પેટ્રોલના ભાવ ઓછા હતા, આજે ડબલ થઇ ગયા. આ વખતે કોંગ્રેસની સરકાર બની તો અમે પણ વિવિધ ગેરેન્ટી આપીશું. ભીખાજી વિશે જણાવતાં તેમણે કહ્યું હતું કે આમાં ભીખાજીનો શો વાંક કે ટિકિટ પાછી ખેંચવી પડે ? હા, વાંક એ જ કે તેઓ ગરીબ સમાજમાંથી આવે છે. આ વખતે પહેલીવાર કોઈ ગરીબને અરવલ્લી જિલ્લામાં ટિકિટ મળી હતી એટલે ભાજપે વિચાર્યું કે આ ગરીબને દિલ્હી ના બતાવાય, નહિ તો પેધા પડશે એટલે ટિકિટ પાછી ખેંચી લીધી.

સાબરકાંઠા લોકસભા બેઠક કોંગ્રેસ ઉમેદવાર તુષાર ચૌધરીએ ભાજપમાં જેમની ટિકિટ આપ્યા પછી રદ કરાઈ એ ભીખાજી ઠાકોરના ગઢમાં જ ભાજપના નામે મત માગવાની શરૂઆત કરી છે. તુષાર ચૌધરીએ પ્રચાર દરમિયાન જણાવ્યું હતું કે ભીખાજીની ટિકિટ રદ કરીને પાછા તેમના પાસે જ કહેવડાવ્યું કે ઉમેદવારી કરવાની ઈચ્છા નથી. આમ એક વખત ટિકિટ આપ્યા પછી પાછી લઈ લે એ તેમનું અપમાન છે. આ અપમાનનો બદલો લેવા માટે કોંગ્રેસને મત આપજો. આમ, સાબરકાંઠા બેઠકના ભાજપના ઉમેદવાર બદલ્યા પછી પેદા થયેલા અસંતોષનો લાભ લેવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારે હવે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ખરાખરીનો જંગ જામશે એવું લાગી રહ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર/ મહેન્દ્રપ્રસાદ/હર્ષ શાહ


 rajesh pande