26- વલસાડની સાત બેઠક પર 72.71 ટકા મતદાન નોંધાયું, વર્ષ 2019ની તુલનાએ 2.51 ટકા મતદાન ઘટ્યું
વલસાડ, 8 મે(હિ. સ.)-ગુજરાતમાં ત્રીજા તબક્કાની ચૂંટણીમાં 26- વલસાડ સંસદીય બેઠક પર જિલ્લા ચૂંટણી અધિકા
26- વલસાડની સાત બેઠક પર 72.71 ટકા મતદાન નોંધાયું, વર્ષ 2019ની તુલનાએ 2.51 ટકા મતદાન ઘટ્યું


વલસાડ, 8 મે(હિ. સ.)-ગુજરાતમાં ત્રીજા તબક્કાની ચૂંટણીમાં 26- વલસાડ સંસદીય બેઠક પર જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી આયુષ ઓકના નેતૃત્વમાં તા. 7 મેને મંગળવારે 72.71 ટકા મતદાન સાથે ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સપન્ન થઈ હતી. જો કે વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીની તુલનાએ વર્ષ ૨૦૨૪ની ચૂંટણીમાં 2.51 ટકા મતદાનમાં ઘટાડો નોંધાયો હતો.

લોકશાહીનો સૌથી મોટો પર્વ સમાન લોકસભાની સામાન્ય ચૂંટણી ગત તા. 7 મે 2024ને મંગળવારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે નિર્વિઘ્ને પૂર્ણ થતા સમગ્ર જિલ્લા ચૂંટણીએ રાહત અનુભવી છે. વલસાડ બેઠક પર ચૂંટણી લડનાર 7 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ થયું છે. જે તા. 4 જૂનના રોજ વલસાડની એન્જિનિયરિંગ કોલેજ ખાતે મત ગણતરી હાથ ધરાશે. છેલ્લી ચાર લોકસભાની ચૂંટણીની વાત કરીએ તો, વર્ષ 2004માં વલસાડ જિલ્લાની પાંચ બેઠક પર 52.28 ટકા,2009માં 56.11 ટકા, 2014માં 74 ટકા અને 2019માં 73.93 ટકા મતદાન નોંધાયુ હતું. જયારે વર્ષ 2024માં જિલ્લાની પાંચ બેઠક પર 71.41 ટકા મતદાન થયું છે. વર્ષ 2019માં 26- વલસાડ બેઠક પર 75.22 ટકા મતદાન નોંધાયું હતું. જયારે વર્ષ 2024માં 72.71 ટકા મતદાન થયું છે.

વર્ષ 2024ની ચૂંટણીમાં 26- વલસાડ લોકસભાની સાત બેઠક પર સૌથી વધુ મતદાન કપરાડા બેઠક પર 79.54 ટકા નોંધાયું છે. જ્યારે સૌથી ઓછુ મતદાન ઉમરગામ બેઠક પર 65.12 ટકા નોંધાયું છે. જ્યારે વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં જિલ્લાની પાંચ બેઠક પર સૌથી વધુ મતદાન કપરાડા બેઠક પર 83.19 ટકા નોંધાયું હતું. જ્યારે સૌથી ઓછુ મતદાન પણ ઉમરગામ બેઠક પર 66.78 ટકા નોંધાયું હતું. વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં પણ આ જ સિનારીયો જોવા મળ્યો હતો. ત્યારે પણ સૌથી વધુ મતદાન કપરાડા બેઠક પર 80.58 ટકા અને સૌથી ઓછુ મતદાન ઉમરગામ બેઠક પર 67.22 ટકા નોંધાયું હતું.

વલસાડ બેઠક પર પુરૂષોની તુલનામાં મહિલાએ વધુ મતદાન કર્યુ હતું. આ સિવાય ઉમરગામ બેઠક પર પુરૂષોની સરખામણીએ મહિલાઓએ 1.7 ટકા વધુ મતદાન કરી જાગૃત મતદારનો દર્શન કરાવ્યા હતા. જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી આયુષ ઓકે જિલ્લાના તમામ મતદારોનો આભાર માન્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર/ યજુવેન્દ્ર દુબે


 rajesh pande