બૂટ ચંપલની લારી ચલાવનારાના પુત્રના ધો-12 કોમર્સમાં 99.84 પર્સેન્ટાઈલ
વડોદરા, 9 મે(હિ. સ.)-વડોદરાના ગોત્રી વિસ્તારમાં રહેતા અને બૂટ ચંપલની લારી લઈને ગોત્રી તળાવ પાસે ઉભા
બૂટ ચંપલની લારી ચલાવનારાના પુત્રના ધો-12 કોમર્સમાં 99.84 પર્સેન્ટાઈલ


વડોદરા, 9 મે(હિ. સ.)-વડોદરાના ગોત્રી વિસ્તારમાં રહેતા અને બૂટ ચંપલની લારી લઈને ગોત્રી તળાવ પાસે ઉભા રહેતા સતિષભાઈ અગ્રવાલના પુત્રે ધો.12 કોમર્સમાં 99.84 પર્સેન્ટાઈલ મેળવ્યા છે.

સંતાનો જ માતા પિતાની સાચી સંપત્તિ છે તે ઉક્તિને સતિષભાઈના બંને પુત્રોએ સાર્થક કરી છે. તેમના મોટા દીકરા હર્ષિલ અગ્રવાલે પણ ધો.12 કોમર્સની પરીક્ષામાં અગાઉ 95.13 પર્સેન્ટાઈલ સાથે ઝળહળતી સફળતા મેળવી હતી. હાલમાં તે સીએનો અભ્યાસ કરી રહ્યો છે. હવે નાના પુત્ર જયદીપે પણ પોતાના પરિવારનુ નામ રોશન કર્યુ છે. જયદીપે ધો.10માં પણ 91.57 પર્સેન્ટાઈલ મેળવ્યા હતા.

સતિષભાઈનો સૌથી નાનો પુત્ર સાતમા ધોરણમાં અભ્યાસ કરે છે. સતીષભાઈ, તેમના પત્ની અને ત્રણ પુત્રો એક રૂમ-રસોડાના મકાનમાં રહે છે. જયદીપે એક રૂમ રસોડાના મકાનમાં પરીક્ષાની તૈયારી કરી હતી. તેણે એક વાતચીતમાં કહ્યુ હતુ કે, હું પરીક્ષા નજીક આવી ત્યારે રોજ આઠ થી દસ કલાક વાંચતો હતો. ક્યારેક વાંચવા માટે મુશ્કેલી પડતી તો બાજુમાં રહેતા મારા કાકાના ઘરે જતો રહેતો હતો. હું પણ સીએનો જ અભ્યાસ કરવા માંગુ છું.

જયદીપના પિતા સતીષભાઈએ કહ્યું હતું કે, મારા બંને દીકરાઓના કારણે લોકો મને ઓળખતા થયા છે તે વાતની ખુશી છે અને ઈશ્વરની કૃપા છે કે, મારા દીકરાઓ સારું ભણી રહ્યા છે. મેં અને મારી પત્નીએ પહેલેથી નક્કી કર્યુ હતું કે, ગમે તે થાય પણ સંતાનોને અમે સારી રીતે ભણાવીશું.

હિન્દુસ્થાન સમાચાર/ યજુવેન્દ્ર દુબે/બિનોદ


 rajesh pande