વંઠેવાડ ગામે લગ્ન પ્રસંગમાં ત્રણ હુમલાખોરોએ, ઝઘડો કરીને લીમોદરાના યુવકને માર માર્યો
કરાડ ગામે ચૈત્રી નવરાત્રી દરમિયાન થયેલ ઝઘડાની રીષ રાખીને બે યુવકોને માર મારી ઇજા પહોંચાડી. ભરૂચ
વંઠેવાડ ગામે લગ્ન પ્રસંગમાં ત્રણ હુમલાખોરોએ, ઝઘડો કરીને લીમોદરાના યુવકને માર માર્યો


કરાડ ગામે ચૈત્રી નવરાત્રી દરમિયાન થયેલ ઝઘડાની રીષ રાખીને બે યુવકોને માર મારી ઇજા પહોંચાડી.

ભરૂચ 16 જૂન ( હિ. સ )

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના વંઠેવાડ ગામે એક લગ્ન પ્રસંગમાં આવેલ લીમોદરા ગામના બે યુવકોને રાજપારડીના ત્રણ ઇસમોએ અગાઉના ઝઘડાની રીષ રાખીને માર મારતા બન્ને યુવકો ઇજાગ્રસ્ત થયા હતા.

ઝઘડિયા તાલુકાના લીમોદરા ગામે રહેતો કેતન વસાવા નામનો યુવક તારીખ 14 મીના રોજ રાતના નવ વાગ્યાના સમયે તેના મિત્ર યશકુમાર સાથે વંઠેવાડ ગામે એક લગ્ન પ્રસંગમાં ગયો હતો. આ લગ્ન પ્રસંગમાં બેન્ડ પાર્ટી આવેલ હોઇ કેતન અન્ય લોકોની સાથે નાચવા પડ્યો હતો.આ લગ્ન પ્રસંગમાં રાજપારડી ગામના ત્રણ ઇસમો કરણ વસાવા,રોશન વસાવા તેમજ બળદેવ વસાવા પણ હાજર હતા. આ અગાઉ કરાડ ગામે ચૈત્રી નવરાત્રીની આઠમની ઉજવણી દરમિયાન કેતન કરાડ ગામે ગયો હતો અને ત્યાં બેન્ડ પાર્ટી આવેલ હોઇ અન્ય લોકોની સાથે તે નાચતો હતો ત્યારે કેતનના મિત્ર યશકુમાર ત્યાં હાજર બળદેવને ધક્કો વાગી જતા તેની સાથે બોલાચાલી થઇ હતી.

આ બાબતની રીષ રાખીને વંઠેવાડ ગામે લગ્ન પ્રસંગમાં ભેગા થઇ જતા રાજપારડીના કરણ વસાવા અને રોશન વસાવાએ કેતનને પકડી રાખ્યો હતો અને બળદેવ વસાવાએ તેના હાથમાં પહેરેલ પંચ જેવી વસ્તુ કેતનને માથામાં મારી દેતા તે ઇજાગ્રસ્ત થયો હતો. ત્યારબાદ કેતન અને યશકુમાર ઘરે પરત આવવા નીકળ્યો હતો ત્યારે આ લોકોએ તેમનો પીછો કર્યો હતો અને ઝઘડિયા ચોકડી પાસે બન્ને યુવાનોને રોકીને બળદેવએ યશકુમારને પણ તેને પહેરેલ પંચ જેવી વસ્તુ માથામાં મારતા યશકુમાર પણ ઇજાગ્રસ્ત થયો હતો. ઇજાગ્રસ્તોને અવિધા સરકારી દવાખાને સારવાર માટે લઇ જવાયા હતા.

આ બનાવની કેતનના પિતા મુકેશ વસાવાએ બળદેવ વસાવા,રોશન વસાવા તેમજ કરણ વસાવા તમામ રહે.ગામ રાજપારડી તા.ઝઘડિયાના વિરૂધ્ધ ઝઘડિયા પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

હિન્દુસ્થાન સમાચાર / અતુલ પટેલ


 rajesh pande