રાજકોટ/અમદાવાદ,26 જુલાઇ (હિ.સ.) સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં પડેલા ભારે વરસાદ-અતિવૃષ્ટિના કારણે રાજકોટ માર્ગ અને મકાન વિભાગ હસ્તકના છ જેટલા રસ્તાઓ પર પાણી ફરી વળતાં (ઓવર ટોપિંગ) આ માર્ગો પર વાહન વ્યવહાર બંધ થતાં વૈકલ્પિક માર્ગો શરૂ કરવામાં આવ્યા છે.
આર. એન્ડ બી. પંચાયતની યાદીમાં જણાવાયા પ્રમાણે, રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ગોંડલ-વોરાકોટડા માર્ગ પર પાણી આવી જતાં રસ્તો બંધ થયો છે. જેથી ગોંડલ બાંદ્રા વોરકોટડા વૈકલ્પિક રસ્તો શરૂકરાયો છે. પાણી ઉતર્યા બાદ આ રોડનો ટ્રાફિક પુનઃ શરૂ કરવામાં આવશે.
ઉપલેટા તાલુકાનો મેરવદર-વડાળા રોડ ચેકડેમ કમ કોઝવે ઓવરફ્લો થતા બંધ થયો છે. જેનાથી મેરવદર ગામ સાથેના પરિવહન માટે ગણોદ તણસવા મેરવદર રોડ શરૂ કરાયો છે.ઉપલેટા તાલુકાનો મોજીરા-ભાંખ ક્લરીયા રોડ માઈનોર બ્રિજનું કામ ચાલુ હોવાથી ડાઈવર્ઝન પરથી પાણી પસાર થતાં બંધ થયો છે. પરંતુ તાલુકા મથક પર જવામાં આ બંધ રસ્તો નડતો નથી. ઉપલેટા તાલુકાનો પાનેલી-સાતવડી રોડ,ધોરાજી તાલુકાનો છત્રાસા-વંથલી રોડ,ધોરાજી તાલુકાનો મોટી મારડ-ચિખલીયા રોડ અતિભારે વરસાદના લીધે બંધ થયેલ છે. આ માર્ગો સામે વૈકલ્પિક વ્યવસ્થા ન હોવાથી પાણી ઉતર્યા બાદ ઉપરોક્ત તમામ રોડ ટ્રાફિક માટે શરૂ કરવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ / ડો.હિતેશ એન.વ્યાસ