નવી દિલ્હી, 30 જુલાઇ (હિ.સ.) ભારતમાં સોનાની માંગમાં ઘટાડો નોંધાયો છે. સોનાની માંગમાં આ ઘટાડો ભાવમાં રેકોર્ડ વધારાને કારણે નોંધાયો છે. એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં સોનાની માંગ પાંચ ટકા ઘટીને 149.7 ટન થઈ છે. જોકે, આ સમયગાળા દરમિયાન દેશમાં સોનાની કુલ આયાત આઠ ટકા વધીને 196.9 ટન થઈ છે, જે ગયા વર્ષના સમાન ગાળામાં 182.3 ટન હતી.
મંગળવારે વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ (ડબ્લ્યુજીસી) દ્વારા જારી કરાયેલા રિપોર્ટ અનુસાર, એપ્રિલ-જૂન 2024 ક્વાર્ટરમાં સોનાની માંગ ઘટીને 149.7 ટન થઈ છે, જે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં 158.1 ટન હતી. જોકે, મૂલ્યની દ્રષ્ટિએ સોનાની માંગ બીજા ક્વાર્ટરમાં 17 ટકા વધીને રૂ. 93,850 કરોડ થઈ છે, જે ગયા વર્ષના સમાન ગાળામાં રૂ. 82,530 કરોડ હતી.
રિપોર્ટ અનુસાર, એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં સોનાના ભાવ આસમાને પહોંચ્યા હતા, જેમાં 24 કેરેટ સોનાની કિંમત 10 ગ્રામ દીઠ 74,000 રૂપિયાના રેકોર્ડને પાર કરી ગઈ હતી. યુએસ ડૉલરના સંદર્ભમાં, એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં સોનાની સરેરાશ કિંમત 2,338.2 અમેરિકન ડોલર હતી, જ્યારે 2023 ના સમાન સમયગાળામાં તે 1,975.9 અમેરિકન ડોલર હતી. તે જ સમયે, રૂપિયાના સંદર્ભમાં, બીજા ક્વાર્ટરમાં સોનાની સરેરાશ કિંમત રૂ. 62,700.5 હતી, જ્યારે ગયા વર્ષે સમાન સમયગાળામાં તે રૂ. 52,191.6 (આયાત ડ્યુટી અને જીએસટી સિવાય) હતી.
‘સેકન્ડ ક્વાર્ટર 2024 ગોલ્ડ ડિમાન્ડ ટ્રેન્ડ’ રિપોર્ટ અનુસાર, સોનાની વૈશ્વિક માંગમાં વધારો થયો છે. એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં માંગ 4.16 ટકા વધીને 1,258.2 ટન થઈ છે. રિપોર્ટ અનુસાર, 2023ના બીજા ક્વાર્ટરમાં સોનાની કુલ વૈશ્વિક માંગ 1,207.9 ટન હતી, જે 2024માં વધીને 1,258.2 ટન થઈ ગઈ છે.
ડબ્લ્યુજીસી ના પ્રાદેશિક ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઈઓ) સચિન જૈને એક નિવેદનમાં જણાવ્યું હતું કે, એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં ભારતની સોનાની માંગમાં એક વર્ષ અગાઉની સરખામણીએ 5 ટકાનો ઘટાડો થયો છે, પરંતુ આયાત વેરામાં ઘટાડો થયા બાદ સ્થાનિક ભાવમાં સુધારો થયો છે. રિકવરીને કારણે 2024ના બીજા ભાગમાં વપરાશમાં સુધારો થવાની ધારણા છે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સુનીત નિગમ / ડો. હિતેશ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ / માધવી વ્યાસ