મોડાસા,8 સપ્ટેમ્બર (હિ.સ.) આજે ગણેશ ચતુર્થીની સમગ્ર દેશમાં ઉજવણી થઈ રહી છે. ત્યારે અરવલ્લી જિલ્લામાં પણ તમામ તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાં ગણેશજી મહોત્સવ ઉજવણી નિમિત્તે ગણેશ સ્થાપના કરાઈ હતી. ગણેશ મહોત્સવ નિમિત્તે આજથી ભગવાન ગણેશની મૂર્તિની સ્થાપના કરાઈ રહી છે. ત્યારે મોડાસાના સૌથી મોટા ગણપતિ મહોત્સવનો આજથી પ્રારંભ થયો છે.
મોડાસા શહેરના ધુણાઈ રોડ પર આવેલ મનોકામના સિદ્ધિ વિનાયક મંદિરે વર્ષોથી દસ દિવસીય ગણેશ મહોત્સવ યોજાય છે. મનોકામના સિદ્ધિ વિનાયક ગણપતિએ જમણી સૂંઢવાળા ગણેશજી છે. મોટી સંખ્યામાં ભક્તો ગણપતિના દર્શન માટે આવે છે. ત્યારે આજે શુભ મુહૂર્તમાં ભગવાનની મૂર્તિની ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. ગણેશ ભક્તો પણ નાચતાં કૂદતાં સંગીતના તાલે શ્રીજીને ગણપતિ મંદિરે બિરાજમાન કર્યા છે.
દસ દિવસ દરમિયાન સવાર સાંજ ગણપતિનું વૈદિક પૂજન અર્ચન અને આરતી થાય છે. અલગ અલગ દિવસે અલગ અલગ મનોરથની ઉજવણી થાય છે. ભગવાનને દુગધાભિષેક કરવામાં આવે છે. દરરોજ દૂર્વાની માળાની ગણપતિને સુશોભિત કરવામાં આવે છે. આમ મોડાસા મનોકામના સિદ્ધિ વિનાયક મંદિરે ભાવ અને ભક્તિપૂર્વક ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે.
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ