વડોદરા, 12 જાન્યુઆરી (હિ.સ.)-વાસદથી વડોદરા આવતા નેશનલ હાઇવે - 48 પર સાંકરદા મીની નદી નજીક રિક્ષા ડિવાઇડર સાથે અથડાયા પછી પલટી જતા એક મુસાફરનું મોત નિપજ્યું હતું. જે અંગે નંદેસરી પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ખેડા ઇન્દિરા નગરી ઝૂંપડામાં રહેતા જયાબેન દિનેશભાઇ વાસફોડા, તેમના પતિ દિનેશભાઇ, કુટુંબી ભત્રીજા વિનોદ ભૂરાભાઇ વાસફોડા (રહે. જૂની કોર્ટની પાછળ, જય નગર, નારોલ, અમદાવાદ), તેમના પત્ની ભારતીબેન, દીકરી તથા વિનોદભાઇના પિતા ગઇકાલે મોડીરાતે ખેડાથી રિક્ષામાં બેસીને સુરત ઉત્તરાયણના કામ માટે જવા નીકળ્યા હતા. રિક્ષા વિનોદભાઇ ચલાવતા હતા. રાતે સાડા ત્રણ વાગ્યે વડોદરા વાસદ હાઇવે પર સાંકરદા મીની નદીના પુલ પાસે ડિવાઇડર સાથે રિક્ષા અથડાઇ જતા પલટી ખાઇ ગઇ હતી. રાહદરીઓએ દોડી આવી તમામને રિક્ષામાંથી બહાર કાઢ્યા હતા. જયાબેનને ગળાની પાછળ ઇજા થઇ હતી. જ્યારે તેમના પતિને માથાના ભાગે ગંભીર ઇજા થતા ઘટના સ્થળે જ તેઓનું મોત થયું હતું. રિક્ષા ચલાવતા વિનોદભાઇને કપાળ પર ઇજા થઇ હતી. નંદેસરી પોલીસે આ અંગે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે