અમરેલી, 6 ઓક્ટોબર (હિ.સ.) : ભારતીય જનતા પાર્ટી (ભા.જ.પા.) ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે જગદીશભાઈ પંચાલ વિશ્વકર્માની મહત્વપૂર્ણ જવાબદારી પર નિમણૂક થતા સાવરકુંડલા શ્રી લુહાર યુવા ગ્રુપ અને સમગ્ર લુહાર સમાજમાં હર્ષની લાગણી છવાઈ ગઈ છે.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી, કેન્દ્રીય ગૃહ અમિતભાઈ શાહ તેમજ મોવડી મંડળ દ્વારા આ મહત્વપૂર્ણ પદ પર જગદીશભાઈ વિશ્વકર્માને નિમણૂક કર્યા બદલ લુહાર યુવા ગ્રુપે આનંદની લાગણી વ્યક્ત કરી હતી. લુહાર જ્ઞાતિના આગેવાનો, યુવાનો અને બહેનોએ ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી. આ શુભ પ્રસંગે સાવરકુંડલા ખાતે શ્રી લુહાર યુવા ગ્રુપ દ્વારા એક શુભેચ્છા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જ્ઞાતિ સમાજ કારોબારી સમિતિના સભ્યો, લુહાર મહિલા મંડળ, તેમજ લુહાર સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં સાવરકુંડલા શહેર ભાજપ મંત્રી હિરેનભાઈ પરમાર, તથા ભાજપ શક્તિ કેન્દ્ર સંયોજક ચેતનભાઇ પરમાર, શ્રી લુહાર યુવા ગ્રુપ પ્રમુખ અને બક્ષીપંચ મોરચાના મંત્રી જયદીપભાઇ પરમાર, ધર્મેશભાઈ ચુડાસમા,તથા વોર્ડ નંબર 4 ના સદસ્ય પતિ ભાવેશભાઈ કવા, વિજયભાઈ મકવાણા, લુહાર મહિલા મંડળ, સાવરકુંડલા નગરપાલિકાના પૂર્વ દંડક તેમજ સદસ્ય મંજુલાબેન ચિત્રોડા, લુહાર જ્ઞાતિ સમાજના પૂર્વ પ્રમુખ અમૃતભાઈ વાળા, જયંતીભાઈ મકવાણા સહિત જ્ઞાતિના આગેવાનો, યુવાનો અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત સૌ સભ્યોએ ફટાકડા ફોડીને ઉત્સાહભેર આનંદ વ્યક્ત કર્યો હતો. આ સાથે જ સૌએ એકબીજાને મોં મીઠા કરાવી ખુશી વ્યક્ત કરી હતી. આ અવસરે જગદીશભાઈ પંચાલ વિશ્વકર્માને તેમની નવી જવાબદારી માટે સર્વેએ હૃદયપૂર્વક શુભેચ્છા સંદેશો પાઠવ્યો હતો. લુહાર સમાજે આ નિમણૂકને ગૌરવપૂર્ણ ગણીને, શ્રી જગદીશભાઈ વિશ્વકર્માનું નેતૃત્વ ગુજરાતના વિકાસને નવી દિશા આપશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai