પાટણ, 9 ઓક્ટોબર (હિ.સ.): સમીની સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ ખાતે બી.એ. અને બી.કોમ. સેમેસ્ટર–૧ના વિદ્યાર્થીઓ માટે થેલેસેમિયા ટેસ્ટ માટે વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. એન.એસ.એસ. યુનિટ દ્વારા આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં થેલેસેમિયા જેવી આનુવંશિક બીમારી અંગે જાગૃતિ લાવવાનો અને સમયસર તેનું નિદાન કરવાનું રહ્યો હતું.
આ કેમ્પમાં રેડક્રોસ સોસાયટી, ગુજરાત રાજ્ય શાખા, અમદાવાદના પ્રતિનિધિઓએ સહયોગ આપ્યો હતો. કેમ્પ ઇન્ચાર્જ સંજયભાઈ એસ. વાળંદ અને લેબ ટેકનિશિયન ચંદનસિંહ જે. પગી દ્વારા વિદ્યાર્થીઓના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હતા. તેમણે થેલેસેમિયા વિશે વિસ્તૃત માહિતી આપી હતી. આ કેમ્પમાં અંદાજે ૧૧૫ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને તેમનાં ટેસ્ટના પરિણામો ટૂંક સમયમાં જાહેર થશે.
એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર ડૉ. જાગૃતિ પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું. એન.એસ.એસ. યુનિટ તથા વર્તમાન અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન, વ્યવસ્થાપન અને જાગૃતિ અભિયાનમાં સક્રિય ભાગ લીધો હતો. આ સમગ્ર કાર્યક્રમ કૉલેજના આચાર્ય ડૉ. ટેકપાલસિંઘ પી. આનંદના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક યોજાયો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ