પાટણ, 9 ઓક્ટોબર (હિ.સ.): પાટણના છીડિયા અંબાજી મંદિર ચોક ખાતે શરદ પૂર્ણિમા પર્વ નિમિત્તે છીડિયા સહ પરિવાર દ્વારા ભવ્ય ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમમાં વિસ્તારની મહિલાઓ, યુવક અને યુવતીઓ સહિત મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
કેટલીક મહિલાઓએ માથે બેડા (માટલાં) લઈને પરંપરાગત ઢબે ગરબા રમીને માતાજી પ્રત્યેની આસ્થા વ્યક્ત કરી હતી. ગરબા રાસની આ ભાવભીની પ્રસ્તુતિએ પરંપરા અને સંસ્કૃતિને જીવંત રાખી હતી.
મંદિર ચોકને માતાજીની માંડવીના સુશોભન સાથે આકર્ષક રીતે શણગારવામાં આવ્યો હતો. શરદ પૂર્ણિમાની પાવન રાત્રે લોકોએ એકસાથે ગરબા રમીને પર્વની આનંદમય ઉજવણી કરી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ