
અમરેલી, 1 નવેમ્બર (હિ.સ.) અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ બાદ નદીઓ ગાંડીતૂર બનતા ચિંતા સર્જાઈ છે. સતત વરસતા ભારે વરસાદને કારણે જાફરાબાદ તાલુકાના ધોળાદ્રી ગામની નદીમાં અચાનક પૂર આવતાં એક વ્યક્તિ તણાઈ જવાની દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની છે. ઘટના બાદ ગામમાં ચકચાર મચી ગઈ હતી અને તાત્કાલિક સ્થાનિક તંત્ર સાથે NDRFની ટીમે સ્થળ પર પહોંચી બચાવ કામગીરી શરૂ કરી છે.
માહિતી મુજબ, ધોળાદ્રી ગામની નદીમાં પાણીનો પ્રવાહ અતિશય વધતાં આજુબાજુના વિસ્તારોમાં લોકોને નદીની નજીક ન જવાની ચેતવણી આપવામાં આવી હતી. છતાંય એક આધેડ વ્યક્તિ કોઈ કારણસર નદીની નજીક ગયો હતો અને અચાનક પૂર જેવી સ્થિતિ સર્જાતાં તે તણાઈ ગયો. ગ્રામજનો દ્વારા તરત જ ઘટના અંગે માહિતી જાફરાબાદ મામલતદાર કચેરી અને પોલીસને આપવામાં આવી હતી.
ઘટનાની જાણ થતાં જ મામલતદાર, પોલીસ સ્ટાફ તેમજ NDRFની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. હાલ નદીમાં જોરદાર પ્રવાહ હોવાને કારણે શોધખોળ કામગીરીમાં મુશ્કેલી પડી રહી છે, પરંતુ બચાવકર્મીઓ સતત પ્રયત્નો કરી રહ્યા છે. સ્થાનિક લોકો પણ બચાવ કામગીરીમાં મદદરૂપ બની રહ્યા છે.
અમરેલી જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોમાં કમોસમી ભારે વરસાદને કારણે અનેક નદીઓમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેડૂતોને ભારે નુકસાન થયું છે. હવે માનવી જાનહાનિની ઘટના સાથે ચિંતા વધી ગઈ છે. તંત્રએ લોકોને ચેતવણી આપી છે કે આગામી કલાકોમાં નદીઓ અને ખાલા-ખાડાઓની નજીક ન જવું અને સાવચેતી રાખવી જરૂરી છે.
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai