
પાટણ, 10 નવેમ્બર (હિ.સ.) : પાટણ શહેર બી. ડિવિઝન પોલીસે ગેરકાયદેસર રીતે કતલખાને લઈ જવાતા 32 પશુઓ સાથે એક આઇસર ગાડીના ચાલક અફઝલખાન મહેબુબઅલી પીંજારાની ધરપકડ કરી છે. આઇસરમાં 31 પાડા અને 1 પાડીને અત્યંત કષ્ટદાયક રીતે ખીચોખીચ ભરવામાં આવ્યા હતા અને ઘાસચારો કે પાણીની કોઈ વ્યવસ્થા નહોતી.
આ ઘટના પાટણ–ચાણસ્મા હાઈવે પર સુદામા ત્રણ રસ્તા પાસે બની હતી. કંબોઈના રહેવાસી વિક્રમસિંગ શાંતુજી સોલંકીને તેમના ભાઈ જીતેન્દ્રસિંગ સોલંકી પાસેથી માહિતી મળતાં તેમણે સાથીઓ સાથે ગાડી રોકવાનો પ્રયાસ કર્યો. પરંતુ ચાલકએ પોલીસ સ્ટેશન લઈ જવાનું કહેતા ગાડી ભગાવી દીધી, જેના પગલે ફરિયાદી અને લોકોએ પીછો કરી ડ્રાઇવરને પકડી લીધો, જ્યારે તેનો સાથી ઈસમ ભાગી છૂટ્યો.
પકડાયેલા ડ્રાઇવરની ઓળખ અફઝલખાન મહેબુબઅલી પીંજારા તરીકે થઈ છે, જે રાજસ્થાનના પાલી જિલ્લાની ઇન્દિરા કોલોનીનો રહેવાસી છે. તપાસમાં ખુલ્યું કે પશુઓ ડીસાના જમાલ ભુરેખાં બલોચ પાસેથી ભરાયા હતા અને તેમને નંદાસણ ખાતે કતલ માટે લઈ જવાતા હતા.
કુલ 32 પશુઓની કિંમત અંદાજે ₹96,000 છે. તમામ પશુઓને સારસંભાળ માટે ખલીપુર મહાજન પાંજરાપોળ ખાતે સોંપવામાં આવ્યા છે. પોલીસે ડ્રાઇવર અફઝલખાન પીંજારા, જમાલ ભુરેખાં બલોચ અને એક અજાણ્યા ઈસમ વિરુદ્ધ પ્રાણીઓ પ્રત્યે ક્રૂરતા નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ શરૂ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ