
જામનગર, 10 નવેમ્બર (હિ.સ.) : ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ ના (જી.એસ.ટી.આર.ટી.સી.) કર્મચારીઓ લાંબા સમયથી પોતાની વિવિધ પડતર માંગણીઓ માટે રાજ્યસ્તરે સંઘર્ષ કરી રહ્યા છે ત્યારે અનેકવાર રજૂઆતો, ચર્ચાઓ અને સ્મરણપત્રો આપ્યા છતાં કર્મચારીઓની વાજબી માગણીઓને લગતા નિર્ણયો હજુ સુધી અમલમાં આવ્યા નથી. પરિણામે રાજ્યભરના એસ.ટી. કર્મચારીઓમાં વ્યાપક અસંતોષ અને નિરાશાનો માહોલ સર્જાયો છે.
આ પરિસ્થિતિ સામે હવે એસ.ટી.મજદૂર સંઘે રાજ્યસ્તરે એક શક્તિશાળી આવાજ ઉઠાવવાનો નિર્ધાર કર્યો છે. જેમાં તા.10 નવેમ્બર 2025ના અમદાવાદમાં યોજાનારી શ્રમિક આક્રોશ રેલી માટે જામનગર અને દેવભૂમિ દ્વારકા વિભાગના કર્મચારીઓને ભાગ લેવા માટે એસ.ટી.મજદૂર સંઘની જામનગર વિભાગીય ટીમ દ્વારા આહવાન કરવામાં આવ્યું છે.
જામનગર વિભાગના પ્રમુખ જયેન્દ્રસિંહ વાળા, મહામંત્રી સંજયભાઈ ડોડીયા, ઉપપ્રમુખ હિતેન્દ્રસિંહ જાડેજા, કાર્યાલય મંત્રી સોલંકીભાઈ, ડેપો પ્રમુખ કિર્તીભાઈ જોગલ, ડેપો મંત્રી રાહુલસિંહ જાડેજા, અને આગેવાન વાળા ભાઈ તથા ડી.વી. જાદવના નેતૃત્વ હેઠળ સમગ્ર સંગઠન આ રેલીની તૈયારીમાં જોડાયું છે. જામનગર જિલ્લાના તમામ ડેપોમાં સભાઓ યોજીને કર્મચારીઓને રેલીમાં જોડાવાના કર્મચારીઓને જે માટે પ્રેરણા આપવામાં આવી રહી છે.
આ આગેવાનોનું માનવું છે કે, એસ.ટી. કર્મચારીઓ એસ ટી રાજ્યના પરિવહન તંત્રની રીડ છે. તેમની મહેનતથી જ કરોડો મુસાફરો સુરક્ષિત રીતે દરરોજ પોતાના સ્થળે પહોંચે છે. પરંતુ વર્ષોથી તેમની માગણીઓને અવગણવામાં આવી રહી છે ત્યારે કર્મચારીઓની માંગણીમાં સ્થાયી કર્મચારીઓના બાકી પડેલા ડીએ (મોંઘવારી ભથ્થા)ની ચુકવણી, કોન્ટ્રાક્ટ અને દૈનિક વેતનધારી કર્મચારીઓને નિયમિત કરવા માટે સ્પષ્ટ નીતિ ઘડવી, નિવૃત્ત થયેલા કર્મચારીના પેન્શન અને ગ્રેચ્યુઇટીના કેઝોનો ઝડપી નિકાલ કરી ચુકવણી કરવી સેવા શરતોમાં સુધારા કરીને વેતન સમીક્ષા, એસ.ટી.ની બસો અને ડેપોની સુવિધાઓમાં સુધારા કરીને મુસાફરો તથા કર્મચારીઓ માટે સારું વાતાવરણ ઊભું કરવું સહિતના મુદ્દાનો સમાવેશ થાય છે.
આ રેલીમાં કર્મચારીઓને જોડાવવા સંજયભાઈ ડોડિયા, જયેન્દ્રસિંહ વાળા, હિતેન્દ્રસિંહ જાડેજા, કિર્તીભાઈ જોગલ સહિતનાઓએ આહવાન કર્યુ છે. જામનગર-દેવભૂમિ દ્વારકા જ નહીં, પરંતુ સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર અને દક્ષિણ ગુજરાતના વિભાગોના કર્મચારીઓ પણ મોટી સંખ્યામાં જોડાશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt