
જામનગર, 10 નવેમ્બર (હિ.સ.) : ગુજરાત સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ અંતર્ગત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત અને જિલ્લા વહીવટી તંત્ર જામનગરના માર્ગદર્શન હેઠળ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર જામનગર દ્વારા સંચાલિત ખેલમહાકુંભ-૨૦૨૫ ની સ્પર્ધાઓનો પ્રારંભ તારીખ ૦૭/૧૧/૨૦૨૫ થી શરૂ થયેલ છે.
ચાલુ વર્ષે જામનગર જિલ્લાના ખેલાડીઓમાં અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો છે.જામનગર ગ્રામ્ય વિસ્તારમાં કુલ ૦૭ રમતોની તાલુકાકક્ષાની સ્પર્ધાઓ તા. ૦૭/૧૧/૨૦૨૫ ના રોજથી શરુ થયેલ છે, જેમાં ગ્રામ્ય જિલ્લાના કુલ ૧,૪૭,૮૦૫ ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવેલ છે.
આ જ રીતે, જામનગર શહેર વિસ્તારમાં જામનગર મહાનગરપાલિકાના માર્ગદર્શન હેઠળ કુલ ૦૭ રમતોની ઝોનકક્ષાની સ્પર્ધાઓ પણ તા.૦૭/૧૧/૨૦૨૫ ના રોજથી શરુ થયેલ છે, જેમાં શહેરના કુલ ૭૮,૮૫૭ ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવેલ છે. આમ, જામનગર જિલ્લામાં કુલ ૨,૨૬,૬૬૨ ખેલાડીઓએ ખેલમહાકુંભ-૨૦૨૫ માં રજીસ્ટ્રેશન કરાવેલ છે.
તા.૦૭/૧૧/૨૦૨૫ થી તા.૩૦/૧૧/૨૦૨૫ સુધી ખેલમહાકુંભ-૨૦૨૫ ની તાલુકાકક્ષા, ઝોનકક્ષા, જિલ્લાકક્ષા અને મહાનગરપાલિકાકક્ષાની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવેલ છે. આ સ્પર્ધાઓમાં વિજેતા થનાર જિલ્લાકક્ષા અને મહાનગરપાલિકાકક્ષાના ખેલાડીઓ આગળ રાજ્યકક્ષાની સ્પર્ધામાં જામનગરનું પ્રતિનિધિત્વ કરશે. જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર-જામનગર દ્વારા ખેલમહાકુંભ-૨૦૨૫ માં રજીસ્ટ્રેશન કરાવેલ તમામ ખેલાડીઓને તેમની સ્પર્ધાઓમાં ઉત્સાહભેર ભાગ લેવા માટે અનુરોધ કરવામાં આવે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt