
ગીર સોમનાથ, 13 નવેમ્બર (હિ.સ.) : જુનાગઢને સ્વતંત્ર કરાવી સરદાર વલ્લભભાઈ પટેલ ૧૩ નવેમ્બર ૧૯૪૭, ના રોજ સોમનાથ પહોંચેલ. ત્યારે સોમનાથ મંદિરના જીર્ણ અવશેષો જોઈને સરદારનું હૃદય દ્રવી ઉઠ્યું, તેઓએ સોમનાથ મંદીરનાં પુનઃનિર્માણ માટે સમુદ્ર જળ હાથમાં લઈને સોમનાથ મંદિરના જીર્ણોદ્ધાર માટે સંક્લ્પ કર્યો અને આજરોજ આ સંકલ્પને ૭૮ વર્ષ પૂર્ણ થયા છે. સોમનાથ મંદિરના સંક્લ્પ દિવસ નિમિત્તે સોમનાથ ટ્રસ્ટના ઈન.જનરલ મેનેજર સહિત ટ્રસ્ટ પરિવાર અને પુરોહિતઓ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. તેમજ સોમનાથ મહાદેવની મહાપૂજા માટે પવિત્ર દ્રવ્ય મહાદેવને અર્પણ કરવામાં આવ્યા હતા. જેનાથી પૂજારી દ્વારા સોમનાથ મહાદેવની મહાપૂજા કરવામાં આવી હતી. આ પ્રસંગે સાંજે મહાદેવને વિશેષ સાયંશૃંગાર તથા દીપમાળાનું આયોજન કરવામાં આવ્યું છે
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ