
— અગમ્ય કારણોસર બનેલી દુઃખદ ઘટના, પોલીસે શરૂ કરી તપાસ
અમરેલી, 13 નવેમ્બર (હિ.સ.) : અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં આવેલી કુંભારીયા ગામે આજે એક હૃદયદ્રાવક ઘટના બની છે. અહીં 22 વર્ષીય યુવતી હેતલબેન ઘોસીયા, જે મૂળ ગીરસોમનાથ જિલ્લાના રહેવાસી હતી અને હાલ કુંભારીયા ગામે ભાડાના મકાનમાં રહેતી હતી, તેણે આત્મહત્યા કરી લેતા વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
માહિતી મુજબ હેતલબેન કુંભારીયા ગામેથી રોજ જૂના દેવકા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી હતી. રોજની જેમ શાળામાં જવા માટે ઘરેથી ન નીકળતા સહકર્મચારીઓએ સંપર્ક કર્યો હતો, પરંતુ કોઈ પ્રતિસાદ ન મળતા પાડોશીઓએ દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો. રૂમ અંદરથી બંધ હોવાથી જાણ પોલીસને કરવામાં આવી હતી.
પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી દરવાજો ખોલ્યો તો અંદર હેતલબેનનો મૃતદેહ છત સાથે ફાંસો ખાધેલી સ્થિતિમાં મળ્યો હતો. પોલીસે શબને નીચે ઉતારી પંચનામું કરીને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે. પ્રાથમિક તપાસમાં આ આત્મહત્યાનું કિસ્સું જણાતું હોય છતાં હેતલબેનના આ પગલાં પાછળનું સાચું કારણ હજી સ્પષ્ટ બન્યું નથી. મૃતક યુવતીના પરિવારજનોને જાણ થતાં તેઓ સ્થળ પર પહોંચી રડાકાં છોડી દીધા હતા. સ્થાનિક લોકો તથા શિક્ષક મંડળમાં આ દુઃખદ ઘટનાને લઈને શોક અને ચિંતાનો માહોલ જોવા મળ્યો છે. હાલ રાજુલા પોલીસે આ આત્મહત્યાના કારણો અંગે વધુ તપાસ શરૂ કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai