
મહેસાણા, 17 નવેમ્બર (હિ.સ.) : મહેસાણા મહાનગર પાલિકા દ્વારા શહેરની માર્ગ સુવિધાઓને વધુ સશક્ત બનાવવા માટે રોડ રી-સર્ફેસિંગ અને નવીન રોડ બાંધકામની કામગીરી વિવિધ ઝોન વિસ્તારમાં ઝડપથી આગળ વધી રહી છે. શહેરવાસીઓને સુરક્ષિત, સુગમ અને ગુણવત્તાયુક્ત માર્ગ સુવિધા મળે તે માટે પાલિકા સતત પ્રયત્નશીલ છે.
આ અંતર્ગત મ્યુનિસિપલ કમિશનર રવિન્દ્ર ખતાલે તથા પાલિકાના એન્જિનિયરિંગ વિભાગના અધિકારીઓએ ઈસ્ટ ઝોનના તળેટી ગામથી હાઈવે માર્ગ સુધી તેમજ ચોકની લીંબડીથી કસ્બા વિસ્તારમાં ચાલતા રોડ મરામત કાર્યોનું સ્થળ નિરીક્ષણ કર્યું. નિરીક્ષણ દરમિયાન અધિકારીઓએ કાર્યની પ્રગતિ, ઉપયોગમાં લેવાતી સામગ્રીની ગુણવત્તા, તકનીકી માપદંડો અને સમયમર્યાદા મુજબના કાર્યને લઈને વિસ્તૃત સમીક્ષા કરી.
રોડોના ટકાઉપણું અને ગુણવત્તાને સુનિશ્ચિત કરવા માટે સમગ્ર કામગીરીનું થર્ડ-પાર્ટી એજન્સી દ્વારા વેરીફિકેશન પણ કરવામાં આવ્યું છે, જેથી બાંધકામની કોઈપણ ખામીને શરૂઆતમાં જ દૂર કરી શકાય. પાલિકા દ્વારા હાથ ધરાયેલા આ વિકાસ કાર્યોના કારણે મહેસાણા શહેરમાં પરિવહન વધુ સુગમ બનશે અને નાગરિકોને ગુણવત્તાયુક્ત માર્ગ સુવિધાનો સીધો લાભ મળશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR