મુખ્યમંત્રીના માર્ગદર્શન, હેઠળ ગાંધીનગરમાં રોડ-રસ્તાની કામગીરી સમયસર પૂર્ણ થશે: ગુણવત્તા પર વિશેષ ધ્યાન
ગાંધીનગર, 17 નવેમ્બર, (હિ. સ.) : ગાંધીનગર શહેરના રોડ-રસ્તાઓને વધુ સુદૃઢ અને ગુણવત્તાસભર બનાવવા માટેની ચાલી રહેલી કામગીરીની પ્રગતિ અંગે તાજેતરમાં ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં એક મહત્વપૂર્ણ વીડિયો કોન્ફરન્સ યોજાઈ હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ


ગાંધીનગર, 17 નવેમ્બર, (હિ. સ.) : ગાંધીનગર શહેરના રોડ-રસ્તાઓને વધુ સુદૃઢ અને ગુણવત્તાસભર બનાવવા માટેની ચાલી રહેલી કામગીરીની પ્રગતિ અંગે તાજેતરમાં ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં એક મહત્વપૂર્ણ વીડિયો કોન્ફરન્સ યોજાઈ હતી. આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી, અગ્ર સચિવ તેમજ રાજ્યની તમામ મહાનગરપાલિકાઓના મેયર અને મ્યુનિસિપલ કમિશનરઓ ઉપરાંત ગાંધીનગર મહાનગરપાલિકાનું પ્રતિનિધિત્વ મેયર મીરાબેન પટેલ અને મ્યુનિસિપલ કમિશનર જે. એન. વાઘેલા હાજર રહ્યા હતા. મુખ્યમંત્રી એ ગાંધીનગરના નાગરિકોના હિતમાં સ્પષ્ટપણે સૂચન કર્યું હતું કે, શહેરના રોડ-રસ્તા અંગેની તમામ કામગીરી આગામી નવેમ્બર અને ડિસેમ્બર-૨૦૨૫ સુધીમાં યુદ્ધના ધોરણે ગુણવત્તાસભર રીતે પૂર્ણ કરી દેવામાં આવે. આ બેઠકમાં ગુણવત્તા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.

આ સૂચનને પગલે, ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા હવે કામગીરીની ગુણવત્તા અને સમયપાલન પર વિશેષ ભાર મૂકવામાં આવશે. મુખ્યમંત્રીના માર્ગદર્શન મુજબ, કામગીરીનું સતત મૂલ્યાંકન અને દેખરેખ થાય તે સુનિશ્ચિત કરવા માટે ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર, મ્યુનિસિપલ કમિશનર તેમજ નાયબ મ્યુનિસિપલ કમિશનરઓ તમામ વિસ્તારોમાં સ્થળ તપાસ કરશે. આ અધિકારીઓ અને પદાધિકારીઓ કામગીરીની ગુણવત્તા જળવાય છે કે કેમ અને તે સમયસર પૂર્ણ થાય છે કે કેમ, તેનું સઘન મૂલ્યાંકન કરશે અને સતત દેખરેખ રાખશે.

આ ઉપરાંત, મુખ્યમંત્રીએ ગુણવત્તાસભર કામગીરી માટે એજન્સીઓના પ્રદર્શન આધારિત મૂલ્યાંકનની પણ વ્યવસ્થા ગોઠવવાનું સૂચન કર્યું હતું. જે એજન્સીઓ દ્વારા ઉત્તમ અને ગુણવત્તાસભર કામગીરી કરવામાં આવે, તેમને પ્રોત્સાહિત કરીને વધુ કામ સોંપવામાં આવશે. જ્યારે, કામ ન કરનારી અથવા નબળી ગુણવત્તાનું કામ કરનારી એજન્સીઓને બ્લેકલિસ્ટ કરવા કે ઇમપેનલ્ડમાંથી દૂર કરવા જેવા કડક પગલાં લેવામાં આવશે. વધુમાં, નાગરિકોને સૌથી વધુ ઉપયોગી એવા મુખ્ય માર્ગો તેમજ વધુ ઘસારો ધરાવતા રસ્તાઓની કામગીરીને મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે પ્રાથમિકતા આપવામાં આવશે.

મુખ્યમંત્રીના આ માર્ગદર્શનના સંદર્ભે, ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા તુરંત જ સક્રિય પગલાં લેવામાં આવ્યા છે. મ્યુનિસિપલ કમિશનર જે. એન. વાઘેલા દ્વારા નાયબ મ્યુનિસિપલ કમિશનર અને સિટી ઈજનેરની ટીમ સાથે શહેરના વિવિધ વિસ્તારોમાં રોડ-રસ્તાની ચાલી રહેલી કામગીરીની સ્થળ મુલાકાત લઈ તેનું ઝીણવટભર્યું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. ગાંધીનગર મહાનગરપાલિકા મુખ્યમંત્રીના આ દિશાનિર્દેશોનું પાલન કરીને શહેરના નાગરિકોને ટૂંક સમયમાં જ શ્રેષ્ઠ માળખાગત સુવિધાઓ આપવા માટે કટિબદ્ધ છે.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande