
અમદાવાદ,18 નવેમ્બર (હિ.સ.) ગુજરાતમાં ધીરે ધીરે ઠંડીનો પારો વધી રહ્યો છે. ફરીથી વહેલી સવારે અને રાતે ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. તો બીજી બાજુ દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. હવામાન વિભાગે સાત દિવસ ગુજરાતનું વાતાવરણ શુષ્ક રહેશે તે અંગેની આગાહી કરી છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં રાત્રિના અને વહેલી સવારના તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે, જેના લીધો ઠંડીમાં વધારો થયો છે.
સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નલિયામાં 10.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. મહાનગરોની વાત કરવામાં આવે તો સુરતને બાદ કરતા તમામમાં 15 ડિગ્રી નીચે લઘુત્તમ તાપમાન નોંધાયું છે.રોજ તાપમાનનો પારો બેથી ત્રણ ડિગ્રી ગગડતા રાજ્યમાં ઠંડીનો માહોલ જામતો જાય છે. આગામી દિવસોમાં હજુ તાપમાનમાં ઘટાડો નોંધાતા ઠંડી ભુક્કા બોલાવશે.
સમગ્ર ગુજરાતમાં સરેરાશ મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ઓછું અને ન્યૂનતમ તાપમાન પણ સામાન્ય કરતાં નીચું રહેતા, રાજ્યમાં ઠંડકનો અનુભવ વધી રહ્યો છે. જ્યારે સૌથી ઓછું ઠંડું ઓખામાં ન્યૂનતમ તાપમાન 21 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે અમદાવાદમાં ન્યૂનતમ તાપમાન 13.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું અને મહત્તમ તાપમાન 29.7 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. રાજ્યમાં હાલમાં બેવડી સીઝનનો અનુભવ થશે. રાજ્યમા મોટાભાગના જિલ્લાઓનું તાપમાન સામાન્ય કરતા નીચું નોંધાયું છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ