
અમરેલી, 19 નવેમ્બર (હિ.સ.) : અમરેલી જિલ્લામાં ફરી એકવાર તસ્કરોના આતંકથી લોકોમાં ભયનું માહોલ ફેલાયો છે. લીલીયા પંથકના અંટાલીયા મહાદેવ સહિતના ચારથી વધુ મંદિરોમાં તસ્કરોએ ધાડ મારી દાનપેટીની રકમ તોડી ચોરી કરી ફરાર થઈ ગયા છે. સતત મંદિરોને નિશાન બનાવતા તસ્કરોને કારણે સ્થાનિક ભક્તોમાં ભારે અસંતોષ અને ગુસ્સો છે. હાલમાં સમગ્ર ઘટનાનો CCTV ફૂટેજ સામે આવ્યો છે જેમાં ચાર તસ્કરો સ્પષ્ટ રીતે કેદ થયા છે. પોલીસ ફૂટેજના આધારે તપાસ શરૂ કરી ચૂકી છે.
ઘટના મુજબ લીલીયાના પ્રસિદ્ધ અંટાલીયા મહાદેવ મંદિર, પ્રેમ સાહેબ આશ્રમ તેમજ બે ખોડીયાર માતાના મંદિરોમાં તસ્કરોએ રાત્રિના સમયે પ્રવેશ મેળવી દાનપેટી તોડી કેશ સહિતની રકમ ઉપર હાથ ફેર્યો હતો. એ સિવાય લીલીયા-જાત્રુડા રોડ પર આવેલ બિલડીધામ વિસ્તારમાં આવેલા મંદિરોમાં પણ તસ્કરો ત્રાટક્યાની માહિતી સામે આવી છે. સતત મંદિરોને નિશાન બનાવવામાં આવતાં ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચતા ગ્રામજનોમાં ભારે રોષ છે.
મંદિર ટ્રસ્ટીઓએ જણાવ્યું કે છેલ્લા સમયગાળા દરમિયાન મંદિરોને ટાર્ગેટ કરવાના બનાવો વધી રહ્યાં છે. તસ્કરો ખાસ કરીને દાનપેટીની રકમને નિશાન બનાવી રાત્રીના સમયે ત્રાટકે છે. મંદિર સંચાલકોએ વધારાની સુરક્ષા, લાઈટિંગ અને CCTV વ્યવસ્થા મજબૂત કરવાની માંગ કરી છે. પોલીસની વિશેષ ટીમ ઘટનાસ્થળો પર પહોંચી તસ્કરોની હિલચાલ અને માર્ગની વિગત પણ ચકાસી રહી છે. અમારા અંટાલીયા મહાદેવ મંદિરમાં રાત્રિના સમયે તસ્કરો ઘૂસીને દાનપેટીની રકમ તોડી લઈ ગયા. અમે સવારે પૂજા માટે આવ્યા ત્યારે ઘટના સામે આવી. CCTV ચેક કર્યાં તો ચાર વ્યક્તિઓ સ્પષ્ટ દેખાઈ રહ્યાં છે. તસ્કરો ખૂબ તૈયારી સાથે આવ્યા લાગે છે.
મંદિર ટ્રસ્ટ તરીકે અમારી માંગ છે કે આવી ઘટનાઓ રોકવા પોલીસ વધુ પેટ્રોલિંગ વધારે અને તસ્કરો ઝડપાઈ કાયદેસર સજા થાય.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai