
અમરેલી, 19 નવેમ્બર (હિ.સ.) : ખાંભા ગીર વિસ્તારની બોરાળા પ્રાથમિક શાળામાં આજે અચાનક તણાવ સર્જાયો હતો, જ્યારે ધોરણ 1 થી 4 ની શાળાના આચાર્ય સરોજબેન ગોધાણીના વર્તન સામે વાલીઓએ ખુલ્લે આક્રોશ વ્યક્ત કર્યો હતો. વાલીઓએ આચાર્ય દ્વારા સતત ખરાબ વર્તન, અયોગ્ય બોલચાલ અને શાળાના વાતાવરણને પ્રતિકૂળ બનાવવાના આક્ષેપ સાથે શાળા ખાતે તાળાબંધી કરીને વિરોધ નોંધાવ્યો હતો.
સ્થાનિકોમાં આ મુદ્દે ભારે રોષ ફાટી નીકળ્યો હતો. ઘટનાની જાણ થતાં જિલ્લા પંચાયતના સભ્ય અરવિંદ ચાવડા અને ખાંભા તાલુકા ભાજપ પ્રમુખ આનંદ ભટ્ટ શાળાએ પહોંચી ગયા હતા. તેમણે વાલીઓ સાથે ચર્ચા કરીને પરિસ્થિતિ શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો. વાલીઓએ સ્પષ્ટ શબ્દોમાં રજૂઆત કરી હતી કે આચાર્યના વલણના કારણે બાળકો શાળા જવામાં અચકાશે છે અને શૈક્ષણિક વાતાવરણ પણ બગડી રહ્યું છે.
લગભગ 15 મિનિટની ચર્ચા અને સમજાવટ બાદ શિક્ષણ વિભાગે તરતજ નિર્ણય લઈ આચાર્ય સરોજબેન ગોધાણીની બદલી કરી તેમને હનુમાનપુર શાળામાં કાર્ય માટે મુક્યા હતા. વાલીઓની મુખ્ય માંગણી હતી કે આચાર્યને બદલી કરીને બાળકો માટે સકારાત્મક અને સ્વસ્થ શૈક્ષણિક માહોલ ઉભો કરવામાં આવે.
આ નિર્ણય બાદ વાલીઓએ તાળાબંધી હટાવી દીધી હતી અને શાળાનું નિયમિત શિક્ષણ કાર્ય ફરી શરૂ થયું છે. સ્થાનિકો અને વાલીઓએ શૈક્ષણિક માહોલ શુદ્ધ રાખવા માટે તાત્કાલિક પગલા લેવા બદલ શિક્ષણ વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો. આ બનાવે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વાલીઓ હવે પોતાના બાળકોના શિક્ષણ અને શાળાના વાતાવરણ અંગે ગંભીર અને જાગૃત બની રહ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai