
પાટણ, 24 નવેમ્બર (હિ.સ.) : શંખેશ્વર અને આસપાસના ગામોમાં વધી રહેલા વ્યસન, જુગાર અને નશીલા પદાર્થોની બાબતોને રોકવા માટે વઢિયાર ક્ષત્રિય ઠાકોર સમાજે શંખેશ્વર પોલીસ સ્ટેશનને આવેદનપત્ર આપ્યું. સમાજના આગેવાનો તથા ગ્રામજનોએ યુવાધનના ભવિષ્ય અને સામાજિક શાંતિ પર પડતી ગંભીર અસરો અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
આવેદનપત્રમાં જણાવાયું કે દારૂ, જુગાર, ગાંજો, નશીલા ઇન્જેક્શન તથા ગોળીઓના સેવનથી યુવાનો વિનાશ તરફ આગળ વધી રહ્યા છે, જેના કારણે પરિવારોમાં અશાંતિ અને તણાવ વધી રહ્યો છે. ખાસ કરીને મહિલાઓ, બાળકો તથા યુવતીઓ પર તેની નકારાત્મક અસર જોવા મળી રહી છે, અને અસામાજિક તત્વોના વધારા કારણે ગામોમાં અસુરક્ષાનું વાતાવરણ સર્જાયું છે.
સમાજના પ્રતિનિધિઓએ દારૂનું વેચાણ-સેવન, જુગારના ધંધા અને નશીલા પદાર્થોના વેપારમાં સંકળાયેલા તત્વો સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરવાની માંગ કરી. સાથે જ શંખેશ્વર વિસ્તારમાં વિશેષ અભિયાન ચલાવી આ ગેરકાયદે પ્રવૃત્તિઓને મૂળમાંથી ઉખેડી નાખવાની વિનંતી કરી, જેથી યુવાધનને સાચા માર્ગ પર દોરી શકાય.
ગ્રામજનોએ પોલીસને સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી આપી, જ્યારે શંખેશ્વર પોલીસે પણ રજૂઆતને ગંભીરતાથી લઈને તાત્કાલિક પગલાં લેવા આશ્વાસન આપ્યું. સમાજ અને પોલીસના સંકલનથી વિસ્તાર ટૂંક સમયમાં વ્યસન અને જુગારમુક્ત બનીને ફરીથી શાંતિ, સુરક્ષા અને વ્યવસ્થા સ્થાપિત થશે તેવી આશા વ્યક્ત થઈ છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ