રાષ્ટ્રરક્ષકોનું સન્માન: સાબરકાંઠામાં સિનેમા, સ્વાસ્થ્ય અને સન્માનનો ત્રિવેણી સંગમ
ગાંધીનગર, 24 નવેમ્બર (હિ.સ.) : રાષ્ટ્રના વીર સૈનિકો પ્રત્યે માત્ર ફરજ નહીં પણ સંવેદના અને કૃતજ્ઞતા વ્યક્ત કરવાના ઉમદા હેતુથી સાબરકાંઠા જિલ્લા સૈનિક કલ્યાણ બોર્ડના અધ્યક્ષ અને જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુએ એક અત્યંત નવીન પહેલ હાથ ધરી છે. આ
રાષ્ટ્રરક્ષકોનું સન્માન


રાષ્ટ્રરક્ષકોનું સન્માન


ગાંધીનગર, 24 નવેમ્બર (હિ.સ.) : રાષ્ટ્રના વીર સૈનિકો પ્રત્યે માત્ર ફરજ નહીં પણ સંવેદના અને કૃતજ્ઞતા વ્યક્ત કરવાના ઉમદા હેતુથી સાબરકાંઠા જિલ્લા સૈનિક કલ્યાણ બોર્ડના અધ્યક્ષ અને જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુએ એક અત્યંત નવીન પહેલ હાથ ધરી છે. આ પહેલ અંતર્ગત, જિલ્લાના ફરજ પરના અને નિવૃત્ત સૈનિકો તથા તેમના પરિવારજનો માટે 24 નવેમ્બરના રોજ હિંમતનગર ખાતે સ્ટાર સીટી સિનેમાના સહયોગથી ‘120 બહાદુર’ ફિલ્મનું વિશેષ પ્રદર્શન અને વ્યાપક આરોગ્ય પરીક્ષણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

આ પ્રસંગે કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુના હસ્તે, કારગિલ યુદ્ધમાં શહિદ થયેલા સૈનિકના માતા અને પિતા તેમજ લેહ લદ્દાખમાં ગંભીર રીતે ઘાયલ થયેલા ધરમપાલસિંહ ઝાલાને, વિશેષરૂપે સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, જિલ્લા પંચાયત, હિંમતનગરની નિષ્ણાત આરોગ્ય ટીમ દ્વારા સૈનિકો અને તેમના પરિવારજનો માટે આરોગ્ય પરીક્ષણની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.

જિલ્લા કલેક્ટર સાંદુએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, “રાષ્ટ્રરક્ષક સૈનિકો સમાજના ગૌરવ અને પ્રેરણાસ્ત્રોત છે. તેમની શૌર્યગાથા અને ત્યાગને યાદ કરવું એ માત્ર ફરજ નથી, પરંતુ દરેક નાગરિકનું એક ઋણ છે. આ વિશિષ્ટ કાર્યક્રમથી વહીવટીતંત્ર અને સૈનિકો તેમજ તેમના પરિવારજનો વચ્ચેનો સંબંધ વધુ મજબૂત, સમ્માનજનક અને સંવેદનાત્મક બનશે.”

આ કાર્યક્રમ માત્ર સન્માન પૂરતો સીમિત ન રહેતા, સૈનિકોની શારીરિક સુખાકારી પર પણ ધ્યાન કેન્દ્રિત કરીને સન્માન અને સુરક્ષાનું એક સંકલિત પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે, જે ખરેખર અનુકરણીય છે. આ વિશેષ પ્રદર્શન દ્વારા વહીવટ તંત્રએ સૈનિકોના મનોબળને બિરદાવવાનો પ્રયાસ કર્યો છે.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા, જિલ્લા પોલીસ અધિક્ષક પાર્થરાજસિંહ ગોહિલ, સામાજિક અગ્રણી ગોપાલસિંહ રાઠોડ, જિલ્લા સૈનિક કલ્યાણ અને સમસ્યા નિવારણ સમિતિના સભ્યો સહીત વહીવટ તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

‘120 બહાદુર’ - મેજર શૈતાન સિંહ ભાટીના નેતૃત્વમાં, માત્ર 120 અહીર સૈનિકોના શૌર્ય અને સમર્પણની ગાથા-

‘120 બહાદુર’ એ એક એવી સિનેમેટીક રચના છે જે આપણા દેશરક્ષકોના અદ્ભુત શૌર્ય, અજોડ દેશપ્રેમ અને સર્વોચ્ચ સમર્પણની ગાથાને ઉજાગર કરે છે. ફિલ્મની વાર્તા 18 નવેમ્બર, 1962ના રોજ રેઝાંગ લામાં લડાયેલા ભયંકર યુદ્ધની આસપાસ ફરે છે. આ યુદ્ધમાં ભારતીય સેનાની 13 કુમાઉં રેજિમેન્ટની 'ચાર્લી કંપની'ના મેજર શૈતાન સિંહ ભાટીના નેતૃત્વમાં માત્ર 120 અહીર સૈનિકોએ લગભગ 3,000 ચીની સૈનિકોના આક્રમણનો કેવી બહાદુરીપૂર્વક સામનો કર્યો હતો તેની અદભુત ગાથા રજુ કરે છે. મેજર શૈતાન સિંહ અને તેમના સાથીઓ પાસે યુદ્ધ માટેના સંસાધનો અને શસ્ત્રોની અછત હતી અને હવામાન પણ અત્યંત પ્રતિકૂળ હતું તેમ છતાં તેમણે ઉચ્ચ કક્ષાની બહાદુરી અને પરાક્રમનું પ્રદર્શન કરી દેશની રક્ષા કરી હતી. મેજર શૈતાન સિંહને તેમના સર્વોચ્ચ બલિદાન માટે મરણોત્તર ભારતનો સર્વોચ્ચ લશ્કરી સન્માન પરમ વીર ચક્ર એનાયત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, 8 સૈનિકોને વીર ચક્ર, 4 સૈનિકોને સેના મેડલ અને એક સૈનિકને મેન્શન ઈન ડીસ્પેચથી સન્માનિત કરાયા હતા.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande