
પાટણ, 25 નવેમ્બર (હિ.સ.) પાટણ તાલુકાના મણુંદથી ચાણસ્માના ફિંચાલ વસાઈપુરા રોડ પર ગત રોજ બપોરે કાર લીમડાના ઝાડ સાથે અથડાતા તેજુભા વાઘેલા નામના વ્યક્તિનું મોત નીપજ્યું હતું. આ ઘટનાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
માહિતી મુજબ, તેજુભા વાઘેલા સોમવારે બપોરે વસાઈપુરાથી મણુંદ તરફ કાર લઈને જતા હતા ત્યારે ચાર રસ્તા નજીક તેમની કાર રસ્તા પરથી નીચે ઉતરી લીમડાના ઝાડને ટકરાઈ અને ચોકડીમાં ઉતરી ગઈ હતી. અકસ્માતમાં તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી.
ઇજાગ્રસ્ત તેજુભાને તરત જ ચાણસ્માની લણવા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. ઘટનાની જાણ થતાં પરિવારજનો સ્થળ પર પહોંચ્યા અને મૃતદેહને બહાર કાઢ્યો હતો. આ ઘટના અંગે વિહુભા ઝાલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ