
ગાંધીનગર,5 નવેમ્બર (હિ.સ.) 7 નવેમ્બરે ‘વંદે માતરમ’ના 150 વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે તે અવસર પર ‘વિધાનસભા ખાતે સમૂહગાન યોજાશે. કેન્દ્ર સરકારના માર્ગદર્શન મુજબ 7 નવેમ્બરે ‘વંદે માતરમ’ના 150 વર્ષ પૂર્ણ થવાના અવસર પર રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં ભવ્ય સમૂહગાન યોજવાનો નિર્ણય કર્યો છે. સવારે 10 વાગ્યે એકસાથે શાળાઓ, કોલેજો, સરકારી કચેરીઓ તેમજ જાહેર સ્થળોએ ‘વંદે માતરમ’નું ગાન ફરજિયાત રીતે કરવામાં આવશે.
‘વંદે માતરમ’નું ગાન તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. રાજ્યભરની શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓ દ્વારા સંગીતમય કાર્યક્રમો, દેશભક્તિના ગીતો અને ‘વંદે માતરમ’ના સ્વરૂપમાં પ્રેરણાદાયી પ્રસ્તુતિઓ યોજાશે. સરકારી કચેરીઓમાં પણ સમૂહગાન સાથે તિરંગા સલામી કાર્યક્રમો થશે.
મુખ્ય કાર્યક્રમ ગાંધીનગર સ્થિત વિધાનસભા પરિસરમાં યોજાશે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભાના અધિકારી, કર્મચારીઓ ઉપસ્થિત રહેશે. કાર્યક્રમ દરમિયાન ‘વંદે માતરમ’ના મૂળ સ્વરૂપનું ગાન તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. દરેક જિલ્લામાં પ્રભારી મંત્રીઓની હાજરીમાં પણ સમૂહગાન થશે. રમતગમત, યુવા સેવાઓ અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગે આ અંગે રાજ્યની તમામ સંસ્થાઓને સૂચના આપી છે.
બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે તેમની નવલકથા 'આનંદમઠ'માં વંદેમાતરમ્ ગીત લખ્યું હતું. જે 7મી નવેમ્બરે પ્રસિદ્ધ થયું હતું. આ ગીતે સ્વાતંત્ર્ય આંદોલનના સમયગાળામાં ભારતીયોમાં રાષ્ટ્રપ્રેમ અને એકતાની ભાવના જગાવી હતી. આ કારણે જ 7 નવેમ્બરને ‘વંદે માતરમ’@150 તરીકે સમગ્ર દેશમાં ઉજવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેથી યુવા પેઢી દેશના ઈતિહાસ અને રાષ્ટ્રીય ગીતની મહત્વતાથી પરિચિત થાય
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ