આવતીકાલથી કોંગ્રેસના નેતાઓની ખેડૂત આક્રોશ યાત્રા ખેડૂતોની વેદના જાણવા ખેતર સુધી જશે
- ગીર સોમનાથથી પ્રારંભ, સૌરાષ્ટ્રના 11 જિલ્લામાં ફરી દ્વારકામાં સમાપન અમદાવાદ,5 નવેમ્બર (હિ.સ.) કમોસમી વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું છે. પાક કાપણી માટે તૈયાર હતો ત્યારે અચાનક પડેલા વરસાદે મગફળી, કપાસ અને ડુંગળી જેવા પાકને નષ્ટ કરી ન
કોંગ્રેસના નેતાઓની ખેડૂત આક્રોશ યાત્રા ખેડૂતોની વેદના જાણવા ખેતર સુધી જશે


- ગીર સોમનાથથી પ્રારંભ, સૌરાષ્ટ્રના 11 જિલ્લામાં ફરી દ્વારકામાં સમાપન

અમદાવાદ,5 નવેમ્બર (હિ.સ.) કમોસમી વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું છે. પાક કાપણી માટે તૈયાર હતો ત્યારે અચાનક પડેલા વરસાદે મગફળી, કપાસ અને ડુંગળી જેવા પાકને નષ્ટ કરી નાખ્યા છે. હવે ખેડૂતો સરકાર પાસે સહાય અને દેવા માફીની માગ કરી રહ્યા છે. ગુજરાતના ખેડૂતોને રાતા પાણીએ રોવડાવ્યા છે. ખેડૂતોને થયેલા ભારે નુકસાનને પગલે રાજ્ય સરકારે પણ તાબડતોડ સરવે કરી સહાય પેકેજ જાહેર કરવાની તૈયારી કરી લીધી છે. એક તરફ આમ આદમી પાર્ટીની સક્રિયતા ને બીજી તરફ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ત્યારે હવે કોંગ્રેસ પણ ખેડૂત આક્રોશ યાત્રા કાઢી રહી છે.

આવતીકાલથી કોંગ્રેશ પાર્ટી ગીર સોમનાથી પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની આગેવાનીમાં ખેડૂત આક્રોશ યાત્રા શરૂ કરવા જઈ રહી છે.કમોસમી વરસાદના કારણે થયેલા પાક નુકસાન સમયે તેમની વેદના શું છે તે જાણવા માટે કોંગ્રેસ ખેડૂતોના ખેતર સુધી જશે. ખેડૂતો સાથે સંવાદ કરીને તેમની તકલીફ અને તેમના પ્રશ્નો સાંભળશે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકસાન થયું છે તે માટે સરકાર તાત્કાલિક સહાય પેકેજ જાહેર કરે તેવી કોંગ્રેસ ખેડૂત આક્રોશ યાત્રા થકી સરકાર પાસે માગ કરશે.આ યાત્રાનું ગીર સોમનાથથી જૂનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર, પોરબંદર થઈ દ્વારકામાં સમાપન થશે.

સૌરાષ્ટ્રના 11 જિલ્લામાં આ યાત્રા ફરશે. તેને લઇને પ્રદેશ નેતાઓને જવાબદારી પણ સોંપી દેવાઈ છે. આ યાત્રા દરમિયાન કોંગ્રેસના નેતાઓ ખેડૂતોની વેદના જાણવા ખેતર સુધી જશે અને નાની-મોટી સભાઓ કરી ખેડૂતોના પ્રશ્નો ઉઠાવશે. ખેડૂત હિતની વિવિધ માંગણીઓ પણ કોંગ્રેસે સરકાર પાસે કરી છે.

છેલ્લા કેટલાક સમયથી સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટી સક્રિય થઈ છે. ખેડૂતોના મુદ્દે સરકારને ઘેરવા અને ખેડૂતોને કઈ રીતે આમ આદમી પાર્ટી તરફ ખેંચી શકાય તે માટેના પાર્ટી પ્રયાસ કરી રહી છે. જેથી હવે સૌરાષ્ટ્રમાં પકડ મજબૂત કરવા માટે કોંગ્રેસ પણ મેદાને ઉતરી છે. થોડા દિવસ પહેલા કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પ્રચારના શ્રીગણેશ પણ સૌરાષ્ટ્રથી કર્યા હતા. ત્યાં હવે સૌરાષ્ટ્રમાં જ ખેડૂત આક્રોશ યાત્રા યોજી રહી છે.

મહત્વની વાત તો એ છે કે આ ખેડૂત આક્રોશ યાત્રા માટે પ્રદેશના નેતાઓને પણ એક-એક જિલ્લામાં મેદાને ઉતારવામાં આવ્યા છે. વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા તુષાર ચૌધરી, પૂર્વ પ્રમુખ અને સાંસદ શક્તિસિંહ ગોહિલ, બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર સહિતના પ્રદેશના નેતાઓ પણ એક-એક જિલ્લામાં ખેડૂત આક્રોશ યાત્રામાં હાજર રહેશે.

પહેલા સૌરાષ્ટ્રના 10 જિલ્લામાં ખેડૂત આક્રોશ યાત્રા યોજવાનું નક્કી થયું હતું. પરંતુ હવે તેમાં વધુ એક જિલ્લો ઉમેરાયો છે. પોરબંદરમાં પણ ખેડૂતોને કમોસમી વરસાદના કારણે નુકસાન થયું છે. જેથી કોંગ્રેસની ખેડૂત આક્રોશ યાત્રા હવે સૌરાષ્ટ્રના 11 જિલ્લામાં ફરશે. 6 નવેમ્બરે સોમનાથ મંદિરમાં દર્શન કરી ખેડૂત આક્રોશ યાત્રા શરૂ થશે અને ત્યારબાદ જૂનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર, પોરબંદરના જિલ્લાઓમાં ફરશે અને છેલ્લે દ્વારકામાં યાત્રાનું સમાપન થવાનું છે.

આ ખેડૂત આક્રોશ યાત્રામાં ટ્રેક્ટરો સાથે મોટી સંખ્યામાં ખેડૂતો પણ જોડાશે. જેમાં જે ગામ, તાલુકા અને જિલ્લામાં ખેડૂત આક્રોશ યાત્રા પસાર થશે ત્યાં પણ મોટી સંખ્યામાં ખેડૂતોને ભેગા કરવા માટેની સ્થાનિક નેતાઓને જવાબદારી સોંપવામાં આવી છે. જ્યાં નાની-મોટી સભાઓ પ્રદેશ કોંગ્રેસના નેતાઓ કરશે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande