
નવી દિલ્હી, 10 ડિસેમ્બર (હિ.સ.). દેશની સૌથી મોટી એરલાઇન, ઇન્ડિગોમાં તાજેતરના સંકટ વચ્ચે, નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (ડીજીસીએ) એ એરલાઇન પર દેખરેખ વધુ કડક બનાવી છે. બુધવારે ડીજીસીએ એ, આઠ સભ્યોની મોનિટરિંગ ટીમની રચના કરી, જેમાંથી બે ઇન્ડિગોની કોર્પોરેટ ઓફિસમાં તૈનાત રહેશે.
ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ) દ્વારા જારી કરાયેલા એક આદેશમાં, જણાવ્યું હતું કે, રાહુલ ભાટિયા દ્વારા નિયંત્રિત ઇન્ડિગોમાં ક્રૂની અછતને કારણે મોટી સંખ્યામાં ફ્લાઇટ રદ થયા બાદ આઠ સભ્યોની મોનિટરિંગ ટીમની રચના કરવામાં આવી છે. આ મોનિટરિંગ ટીમમાં ડેપ્યુટી ચીફ ફ્લાઇટ ઓપરેશન્સ ઇન્સ્પેક્ટર, સિનિયર ફ્લાઇટ ઓપરેશન્સ ઇન્સ્પેક્ટર અને બે અન્ય ફ્લાઇટ ઓપરેશન્સ ઇન્સ્પેક્ટરનો સમાવેશ થશે. આમાંથી બે સભ્યો ઇન્ડિગોના મુખ્ય કાર્યાલયમાં દરરોજ તૈનાત રહેશે. તેઓ એરલાઇનના સમગ્ર કાફલા, સરેરાશ ફ્લાઇટ અંતર, પાઇલટ્સની કુલ સંખ્યા, નેટવર્ક વિગતો, ક્રૂ સેવા કલાકો, ક્રૂ તાલીમ અને અન્ય સંબંધિત બાબતોનું નિરીક્ષણ કરશે.
આદેશમાં જણાવાયું હતું કે, ડીજીસીએ ઓફિસના બે વધારાના અધિકારીઓ - એક વરિષ્ઠ આંકડાકીય અધિકારી અને એક નાયબ નિયામક - ને સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ રદ કરવા, રિફંડ, સમયસર ફ્લાઇટ કામગીરી, નાગરિક ઉડ્ડયન નિયમો અનુસાર મુસાફરોનું વળતર અને સામાન ભરપાઈ પર દેખરેખ રાખવા માટે ઇન્ડિગોના મુખ્ય કાર્યાલયમાં તૈનાત કરવામાં આવશે. આ બે ટીમો દરરોજ સાંજે 6 વાગ્યા સુધીમાં સંયુક્ત મહાનિર્દેશક (વહીવટ) હરીશ કુમાર વશિષ્ઠ અને સંયુક્ત મહાનિર્દેશક જય પ્રકાશ પાંડેને રિપોર્ટ કરશે.
અગાઉ ડીજીસીએ એ, ગુરુવારે બપોરે 3 વાગ્યા સુધીમાં એરલાઇનના સીઈઓ ને વિગતવાર અહેવાલ સાથે બોલાવવાનો આદેશ જારી કર્યો હતો. આ પછી, એરલાઇને જણાવ્યું હતું કે ઇન્ડિગોના તમામ 65,000 કર્મચારીઓ કામગીરી સામાન્ય બનાવવા માટે ભેગા થયા છે. સીઈઓ અને તેમની ટીમ ફ્લાઇટ કામગીરીને સામાન્ય બનાવવા અને નેટવર્ક સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે દિવસ-રાત કામ કરી રહી છે. ઇન્ડિગો બોર્ડ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે, જ્યારે બોર્ડનું કટોકટી વ્યવસ્થાપન જૂથ દરરોજ બેઠક કરી રહ્યું છે.
ચેમ્બર ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી (સીટીઆઈ) એ બુધવારે દાવો કર્યો હતો કે, મોટી સંખ્યામાં ઇન્ડિગો ફ્લાઇટ્સ રદ થવાને કારણે દિલ્હીના વેપાર, ઉદ્યોગ, પર્યટન અને પ્રદર્શન ક્ષેત્રોને લગભગ 1,000 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે, જેના કારણે મુલાકાતીઓની અવરજવરમાં અવરોધ આવ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સુનિત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ