
સુરત, 10 ડિસેમ્બર (હિ.સ.) : સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલી રાજ ટેક્સટાઇલ માર્કેટમાં બુધવાર (10 ડિસેમ્બર) ભીષણ આગ ફાટી નીકળી હતી. આગની જ્વાળાઓ માર્કેટની સાતમી અને આઠમી માળ સુધી ફેલાતા આસપાસ અફરાતફરી મચી હતી. આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. હાલમાં 22થી વધુ ફાયર બ્રિગેડની ગાડીઓ સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવા પ્રયત્નશીલ છે અને બે કલાકથી વધુ સમયથી કામગીરી ચાલી રહી છે.
ફાયર ઓફિસર ઇશ્વર પટેલના જણાવ્યા મુજબ, પ્રાથમિક તપાસમાં વાયરિંગની સમસ્યા આગ લાગવાનું શક્ય કારણ હોઈ શકે છે. જોકે, ચોક્કસ કારણ આગ સંપૂર્ણ અંકુશમાં આવ્યા બાદ જ સ્પષ્ટ થશે.
હાલ સુધી સદ્દભાગ્યે કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. પોલીસ વિભાગ સમગ્ર વિસ્તાર પર કડી નજર રાખી રહ્યો છે અને ટ્રાફિકમાં અવરોધ ન પડે તે માટે રસ્તાઓ પર બેરિકેડિંગ કરવામાં આવી છે. સાથે જ સ્થાનિક લોકોને પોલીસ અને ફાયર વિભાગને પૂરતો સહયોગ આપવા વિનંતી કરવામાં આવી રહી છે. આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો યુદ્ધસ્તરે ચાલુ છે અને બચાવ–રાહત કામગીરી સતત આગળ વધી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે