
- મહારાષ્ટ્ર તરફથી આવતા 850 થી પણ વધુ પરિક્રમાર્થીઓને જિલ્લા આરોગ્ય તંત્રની સેવાનો લાભ મળ્યો
વડોદરા,13 ડિસેમ્બર (હિ.સ.) વડોદરા જિલ્લાના આરોગ્ય તંત્રએ તેની સેવાનો વ્યાપ વધાર્યો છે. આરોગ્ય તંત્રએ એક વિશેષ અભિયાનના ભાગરૂપે નર્મદા પરિક્રમામાં કરી રહેલા યાત્રિકો માટે વિશેષ કેમ્પ યોજી રાજ્ય બહારના દર્દીઓની પણ સારવાર કરી છે. છેલ્લા ત્રણેક દિવસમાં આવા કેમ્પમાં 850 થી પણ વધુ પરિક્રમાર્થીઓને સારવાર આપવામાં આવી છે.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મિનાક્ષી ચૌહાણે જણાવ્યું કે, શિયાળાની ઋતુ દરમિયાન મહારાષ્ટ્રના વિવિધ જિલ્લાના ભાવિકો નર્મદા મૈયાની પરિક્રમા કરવા માટે નીકળે છે. આ પરિક્રમા દરમિયાન આ ભાવિકોના સમુહ વડોદરા જિલ્લામાં આવેલા નર્મદા નદીના કિનારેથી પસાર થાય છે.
આ બાબતને ધ્યાને રાખીને શિનોર તાલુકા આરોગ્ય અધિકારી ડો. જિજ્ઞેશ વસાવા તથા વિવિધ આરોગ્ય કેન્દ્રની ટીમો દ્વારા 10 ના રોજ માલસર, દિવેર, અનસૂયા આશ્રમ – બીથલી સહિત ગામોમાં પરિક્રમાર્થીઓ માટે આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં બીપીના 33 , મધુપ્રમેહના 58 , પગના દુઃખાવાના 238 , સામાન્ય ડ્રેસિંગના 42 , તાવના 37 , શરદી ખાંસીના 88 દર્દીઓને સારવાર આપવામાં આવી હતી. બે દર્દીઓને રિફર કરવામાં આવ્યા હતા.
આ જ દિવસે બપોરના સમયે દિવેર ગામમાં યોજાયેલા કેમ્પમાં કુલ 255 ભાવિકોએ આરોગ્ય કેમ્પનો લાભ લીધો હતો. જેમાં બીપીના 45 , મધુપ્રમેહના 38 , પગના દુઃખાવાના 101 , ડ્રેસિંગના 14 સહિતના તાવ અને શરદી-ખાંસીના દર્દીઓન સમાવેશ થાય છે.
આરોગ્ય વિભાગની ટીમોએ નર્મદા પરિક્રમાર્થીઓની સારવાર કરવા માટે 10ના માલસરમાં રાત્રી કેમ્પ પણ કર્યો હતો. માલસરના આ કેમ્પમાં 97 પરિક્રમાર્થીઓની સારવાર કરવામાં આવી હતી. જેમાંથી મોટાભાગના પગના દુઃખાવાના દર્દીઓ હતા.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ