રોટરી ક્લબ ઓફ વડોદરા દ્વારા 200 ટી.બી. દર્દીઓને દર મહિને પોષણયુક્ત આહાર કીટ માનવસેવાનો અનોખો ઉપક્રમ
વડોદરા,13 ડિસેમ્બર (હિ.સ.) પ્રધાનમંત્રી ટી.બી. મુક્ત ભારત અભિયાન અંતર્ગત, રોટરી ક્લબ ઓફ વડોદરા શહેરના ટી.બી. પીડિત દર્દીઓ માટે સતત માનવસેવાના કાર્યો કરી રહ્યું છે. વડોદરા મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગના સહકારથી ઓક્ટોબર 2022 થી રોટરી ક્લબ વડોદરા ઉ
રોટરી ક્લબ ઓફ વડોદરા દ્વારા 200 ટી.બી. દર્દીઓને દર મહિને પોષણયુક્ત આહાર કીટ માનવસેવાનો અનોખો ઉપક્રમ


વડોદરા,13 ડિસેમ્બર (હિ.સ.) પ્રધાનમંત્રી ટી.બી. મુક્ત ભારત અભિયાન અંતર્ગત, રોટરી ક્લબ ઓફ વડોદરા શહેરના ટી.બી. પીડિત દર્દીઓ માટે સતત માનવસેવાના કાર્યો કરી રહ્યું છે. વડોદરા મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગના સહકારથી ઓક્ટોબર 2022 થી રોટરી ક્લબ વડોદરા ઉત્તર ઝોનના 100 ટી.બી. દર્દીઓને દર મહિને પોષણયુક્ત આહાર કીટ આપી સહાયરૂપ બની રહ્યું છે. આજ દિન સુધી કુલ 3900 થી વધુ પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું છે.

આ સેવાકાર્યમાં ઓક્ટોબર 2025 થી વધુ એક મહત્વપૂર્ણ ઉમેરો થયો છે રોટરી ક્લબ વડોદરાએ હવે પશ્ચિમ ઝોનના વધારાના 100 ટી.બી દર્દીઓને દત્તક લીધા છે. આથી હવે દર મહિને કુલ 200 ટી.બી. દર્દીઓને પોષણયુક્ત આહાર કીટ અને પ્રોટીન પાવડર આપવામાં આવશે.

આ ઉમદા કાર્યનો પ્રારંભ ગત 10 ડિસેમ્બરના રોજ રોટરી ક્લબ વડોદરાના દિવાળીપુરા ખાતેનાં હોલ ખાતેના સેન્ટરથી થયો હતો. કાર્યક્રમમાં રોટરી ક્લબના ટ્રસ્ટીઓ નયન પરીખ- સેક્રેટરી, આયુષ ગાંધી- પ્રમુખની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં યોજાયો હતો. જેમાં રોટરી ક્લબના અન્ય હોદ્દેદારો ડો મૃગાંક મરચંટ, દીપક દેસાઈ, રાજેન્દ્ર બક્ષી, હરેન પટેલ અને વડોદરા મહાનગર પાલિકાના આરોગ્ય ડો સેજલ સોની - ડેપ્યુટી હેલ્થ ઓફિસર, ડો આદિત્ય આર્ય મેડીકલ ઓફિસર વિગેરેની ઉપસ્થિતિમાં ટી.બી.ના દર્દીઓને પોષણ કીટ અને પ્રોટીન પાવડર વિતરણ કરવામાં આવ્યું હતું.

આ અવસરે ટી.બી.ના તમામ દર્દીઓની આરોગ્ય તપાસ કરવામાં આવી તેમજ ટી.બી. રોગની સારવારનું મહત્વ, પોષણયુક્ત આહારનો ફાયદો અને નિયમિત દવા સેવન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પોષણયુક્ત આહારથી ટી.બી.ના દર્દીઓની રોગપ્રતિકારક શક્તિ વધે છે અને સાજા થવાનો દર પણ વધારે છે – જે પ્રધાનમંત્રી ટી.બી. મુક્ત ભારત અભિયાન ના લક્ષ્યને પ્રાપ્ત કરવા એક મહત્વપૂર્ણ પગલું છે.

વડોદરા મહાનગર પાલિકા હેઠળના તમામ અર્બન હેલ્થ સેન્ટરો અને સરકારી હોસ્પિટલો ખાતે ટી.બી.ના નિદાન અને સારવાર માટેની દવાઓ મફતમાં ઉપલબ્ધ છે. હાલમાં વડોદરા શહેરના વિવિધ હેલ્થ સેન્ટરોમાં 11 તૃનાટ/સીબીનાટ મશીનો ઉપલબ્ધ છે, જેના દ્વારા ટી.બી.નું અદ્યતન નિદાન શક્ય બને છે.

શહેરી ટી.બી. અધિકારીએ નાગરિકોને અપીલ કરી હતી કે, સતત ખાસી, ઝીણો તાવ, વજનમાં ઘટાડો અથવા ગળામાં ગાંઠ જેવા લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના અર્બન હેલ્થ સેન્ટર ખાતે તપાસ કરાવવી. તેમજ વધુને વધુ સંસ્થાઓ, ઔદ્યોગિક એકમો અને દાતાઓને નિક્ષય મિત્ર બનીને ટી.બી. મુક્ત ભારત અભિયાનમાં જોડાવા અને ટી.બી.ના દર્દીઓને સહકાર આપવા વિનંતી કરી હતી.

રોટરી ક્લબ વડોદરાના અધ્યક્ષ તથા સભ્યોનો આ માનવસેવા માટેનો ઉત્સાહ, સમર્પણ અને સતત યોગદાન પ્રશંસનીય છે. આ સેવાકાર્ય વડોદરા શહેરને ટી.બી. મુક્ત બનાવવાના દિશામાં એક સશક્ત અને પ્રેરણાદાયક પગલું છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande