
જામનગર, 7 ડિસેમ્બર (હિ.સ.) : ટીનએજર્સમાં સામાન્ય બાબતોએ જીવન ટૂંકાવી લેવાની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના કાતડા ગામે, પિતાએ રસોઈ બાબતે ઠપકો આપતાં 16 વર્ષની તરુણીએ આપઘાત કરી લીધો હતો. આદિવાસી પરિવારની કિશોરીએ ઘરે ઝેરી દવા પી લીધા બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દમ તોડી દીધો હતો. દીકરીના મોતથી પરિવારમાં કલ્પાંત છવાયો હતો.
મળતી માહિતી મુજબ, ધ્રોલ તાલુકાના કાતડા ગામમાં આવેલી પરસોતમભાઈની વાડીએ રહેતાં ઉષા સુકરમભાઈ ગણાવા (ઉંમર વર્ષ 16)એ છએક દિવસ પહેલા પોતાના ઘરે ઝેરી દવા પી લીધી હતી. પરિવારને જાણ થતા પ્રથમ પડધરી સરકારી હોસ્પિટલ બાદ રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ઉષાને દાખલ કરાઈ હતી. અહીં પાંચેક દિવસ સારવાર ચાલી પણ તબિયત વધુ લથડતા, રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જ્યાં ટૂંકી સારવારમાં તેનું ગઈકાલે બપોરે 3.30 વાગ્યાં આસપાસ મોત નીપજ્યું હતું.
પોલીસ સૂત્રો અને પરિવારજનો પાસેથી મળેલી વિગત મુજબ, મૃતકનો પરિવાર મૂળ દાહોદનો વતની છે. 2 વર્ષથી ધ્રોલ તાલુકાના કાતળા ગામે ખેડૂત પરસોતમભાઈની વાડીએ ખેત મજૂરી કરે છે. અને અહીં વાડીના મકાનમાં જ રહે છે. ઉષા 1 ભાઈ અને 3 બહેનમાં નાની હતી. બનાવના દિવસે દીકરી સરખુ જમતી ન હોય અને રસોઈ બનાવવામાં પણ સરખુ ધ્યાન ન આપતી હોય, પિતાએ ઠપકો આપ્યો હતો. જેનું લાગી આવતા પગલું ભર્યું હતું. આ બાબતે ધ્રોલ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ધર્મેશભાઈ ટીમ સાથે રાજકોટ પહોંચ્યા હતા અને મૃતદેહ પીએમ માટે ખસેડી જરૂરી કાર્યવાહી કરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt