
અમદાવાદ, 7 ડિસેમ્બર (હિ.સ.) : ગુજરાતના શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, નિયામક શ્રી રોજગાર અને તાલીમના તાબા હેઠળની મદદનીશ નિયામક, રોજગારની કચેરી, અમદાવાદ દ્વારા રોજગારવાંછુ યુવાનો માટે એક સુવર્ણ તક પૂરી પાડવામાં આવી છે. અમદાવાદ ખાતે આગામી મંગળવાર, તારીખ 09 ડિસેમ્બર 2025ના રોજ 150 થી વધારે જગ્યાઓ માટે એક વિશાળ રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ભરતી મેળો સવારે 11 કલાકે અસારવા બહુમાળી ભવન, ગીરધરનગર બ્રીજ પાસે, શાહીબાગ, અમદાવાદ ખાતે યોજાશે. આ મેળામાં અમદાવાદ જિલ્લાની નામાંકિત અને અગ્રગણ્ય 05 કરતાં વધારે કંપનીઓ ઉપસ્થિત રહેશે અને સ્થળ પર જ ઇન્ટરવ્યુ લેશે. સર્વિસ સેક્ટર, બેન્કિંગ સેક્ટર, મેન્યુફેક્ચરિંગ સેક્ટર વગેરે ક્ષેત્રની કંપનીઓ યુવાનોને નોકરીની ઓફર કરશે. સેલ્સ & માર્કેટિંગ, એક્ઝીક્યુટીવ, ટેકનીશ્યન, બેક ઓફીસ, એન્જીનીયર, ઈલેક્ટ્રીકલ, ઈલેક્ટ્રીશ્યન, ફીટર, વેલ્ડર, સર્વિસ એન્જીનીયર, ટેલીકોલર વગેરે જેવી વિવિધ જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે.
આ મેળામાં ધોરણ ૧૦ પાસ, ૧૨ પાસ, ગ્રેજ્યુએટ, આઈટીઆઈ (ઓલ ટેકનીકલ ટ્રેડ), ડીપ્લોમાં વગેરે જેવી શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઇ શકશે. ઉમેદવારોએ પોતાની બાયોડેટાની ત્રણ કોપી સાથે રાખીને તારીખ ૦૯/૧૨/૨૦૨૫ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે અસારવા બહુમાળી ભવન, પ્રથમ માળ, શાહીબાગ, અમદાવાદ ખાતે ઉપસ્થિત રહેવા માટે મદદનીશ નિયામક, રોજગારની કચેરી દ્વારા જણાવવામાં આવ્યું છે.
આ ભરતી મેળો અમદાવાદના યુવાનોને એક જ સ્થળે વિવિધ કંપનીઓ અને પદો માટે ઇન્ટરવ્યુ આપીને રોજગારની ઉત્તમ તક પૂરી પાડશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ