

ગાંધીનગર, 7 ડિસેમ્બર (હિ.સ.) : રાજ્યમાં કૃષિ ક્ષેત્રે છેલ્લા દાયકામાં આવેલા નોંધપાત્ર ફેરફારોને પરિણામે બાગાયતી ખેતી હવે એક સફળ ખેત-ઉદ્યોગ તરીકે આકાર લઈ રહી છે. ખેડૂતો હવે ઉચ્ચ ગુણવત્તાયુક્ત, તંદુરસ્ત અને રોગ-જીવાત મુક્ત પ્લાન્ટિંગ મટીરીયલ (ધરૂ/કલમ/રોપા) ખરીદવાનો આગ્રહ રાખતા થયા છે. રાજ્યમાં હાલ પ્રતિષ્ઠિત નર્સરીઓની સંખ્યા ઓછી હોવાથી ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ગુણવત્તાયુક્ત મટીરીયલ મળતું નથી.
આ પડકારને પહોંચી વળવા અને ગ્રામ્ય કક્ષાએ રોજગારીની તકો ઊભી કરવાના ઉદ્દેશથી રાજ્ય સરકારના બાગાયત વિભાગ દ્વારા સ્વરોજગારલક્ષી બાગાયતી નર્સરી વિકાસ કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો છે.
આ યોજના હેઠળ, ખેડૂતો ૨૦૦ થી ૫૦૦ ચો.મી.ના વિસ્તારમાં નાના પાયે નર્સરી યુનિટ સ્થાપી શકે છે. આ યુનિટમાં જી.આઇ. પાઇપવાળા સ્ટ્રકચર સાથે નેટ/પ્લાસ્ટિક કવર, પ્લગ ટ્રે, હેંડ ટુલ્સ, ટ્રોલી, બેગ, મીડીયા અને પિયતની સુવિધા જેવી આવશ્યક સામગ્રીનો સમાવેશ થાય છે. *નાણાંકીય સહાય* ની વાત કરીએ તો, ૫૦૦ ચો.મી. વિસ્તાર માટે નિર્ધારિત ખર્ચ રૂ. ૩,૫૦,૦૦૦/- ના ૬૫% લેખે સામાન્ય જાતિના ખેડૂતોને મહત્તમ રૂ. ૨,૨૭,૫૦૦/- જ્યારે અનુસૂચિત જાતિના ખેડૂતોને મહત્તમ રૂ. ૨,૬૨,૫૦૦/- સહાય મળવાપાત્ર રહે છે.
અમદાવાદ જિલ્લાના નાયબ બાગાયત નિયામક જે.જે. પરમારના જણાવ્યા અનુસાર, આ યોજના થકી છેલ્લા બે વર્ષમાં જિલ્લામાં નોંધપાત્ર સફળતા પ્રાપ્ત થઈ છે. વિવિધ તાલુકાઓમાં ૨૮ નર્સરીઓને કુલ રૂ. ૬૬.૨૯ લાખની સહાય ચૂકવવામાં આવી છે. ચાલુ વર્ષે પણ ખેડૂતોનો સારો પ્રતિસાદ મળ્યો છે અને આઈ-ખેડૂત પોર્ટલ મારફતે ૩૩ નવી અરજીઓ મળેલ છે, જેની કાર્યવાહી પ્રગતિ હેઠળ છે.
અમદાવાદ જિલ્લામાં સહાયિત નર્સરીની વિગતો (છેલ્લા બે વર્ષમાં):
આ ૨૮ નર્સરીઓ અમદાવાદ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં કાર્યરત થઈ છે, જેમાં ધોળકા (૦૮), વિરમગામ (૦૬), દસક્રોઇ (૦૬), ધંધુકા (૦૫), દેત્રોજ (૦૨) અને માંડલ (૦૧)નો સમાવેશ થાય છે, જે યોજનાની વ્યાપક પહોંચ દર્શાવે છે.
ધોળકા તાલુકાના નર્સરી વ્યવસાય સાથે સંકળાયેલા સ્થાનિક ખેડૂત ચીકાભાઇ પટેલ આ યોજનાનો લાભ લઈને વાર્ષિક રૂ. ૨૦,૦૦,૦૦૦ થી વધુની આવક મેળવી રહ્યા છે. તેઓ રીંગણી, ટામેટાં, મરચાં, ગલગોટા અને ટેટી જેવા પાકોના અંદાજે ૧૦,૦૦,૦૦૦ થી વધુ ધરૂ ઉછેર કરે છે. તેમના જણાવ્યા મુજબ, માત્ર ધોળકા તાલુકામાં જ ૫૦થી વધુ નર્સરીઓ કાર્યરત છે. ખેડૂતો આ નવીન ખેતી પદ્ધતિ તરફ વળ્યા અને સ્થાનિક રોજગારીની તકોમાં વધારો થયો, જે આ યોજનાની સફળતાનું પ્રતિક છે.
યોજના અંગેની વધુ માહિતી માટે, નજીકના જિલ્લાના નાયબ/મદદનીશ બાગાયત નિયામકનો સંપર્ક કરી શકાય છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ