
અમદાવાદ, 7 ડિસેમ્બર (હિ.સ.) : અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના ગોરજ ગામ ખાતે બોસ ઈન્ડિયા ફાઉન્ડેશન, ધરતી ચેરીટેબલ ટ્રસ્ટ અને ગુજરાત રાજ્ય પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના સંયુક્ત ઉપક્રમે વિધાર્થીઓ માટે પ્રાકૃતિક ખેતી અંગેની એક મહત્વપૂર્ણ તાલીમ યોજાઈ હતી.
તાલીમ દરમિયાન, ગુજરાત રાજ્ય પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના સાણંદ તાલુકાના પ્રોજેક્ટ મેનેજર રાજભાઈ ડામોરે, વિધાર્થીઓને બોર્ડ દ્વારા કરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓ વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી. એગ્રી આસિસ્ટન્ટ અલ્પાબા ચૌહાણે પ્રાકૃતિક ખેતી કરવાના ફાયદાઓ અને રાસાયણિક ખેતીથી થતા નુકસાન વિશે સમજણ આપી વિધાર્થીઓને જાગૃત કર્યા હતા.
આ ઉપરાંત, પ્રાકૃતિક ઉત્થાન ફામૅર પ્રોડ્યુસર કંપની લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર કાશીરામભાઈ વાઘેલાએ પ્રાકૃતિક ખેતીમાં ગાયનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે પ્લાસ્ટિક પ્રદૂષણને કારણે ગાય અને ધરતીને થતા ગંભીર નુકસાન અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે રવિપાકની પૂર્વ તૈયારી કેવી રીતે કરવી, જુદા જુદા રવિપાકના બિયારણના દર, પિયત પદ્ધતિ, નિંદામણ નિયંત્રણ, જીવામૃત, બીજામૃત, ઘનજીવામૃત, આચ્છાદન અને વાપસા જેવા પ્રાકૃતિક ખેતીના પાયાના સિદ્ધાંતોની વિસ્તૃત માહિતી આપી હતી.
વિશેષમાં, કાશીરામભાઈએ કિચન ગાર્ડન બનાવવાની રીત સમજાવી, ખેતરમાં, ઘર આંગણે, વાડામાં કે બાલ્કનીમાં પ્રાકૃતિક રીતે શાકભાજી ઉગાડી શકાય અને પ્રાકૃતિક ખેતી કરી શકાય તેવા હેતુને ધ્યાનમાં રાખીને, શિયાળામાં થતાં વિવિધ પ્રકારના શાકભાજીના બિયારણની કિટનું વિના મૂલ્યે વિતરણ કર્યું હતું.
આ તાલીમમાં ધરતી ચેરીટેબલ ટ્રસ્ટના કાર્યકર મહેશભાઈ પટેલ, ગોરજ ગામની શાળાના બાળકો, શિક્ષકો ઉપસ્થિત રહ્યાં હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ