


અંબાજી 08 ડિસેમ્બર (હિ.સ)ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ દ્વારા આયોજિત, બાળ વિવાહ મુક્ત ભારત અભિયાન બેટી બચાવો બેટી પઢાઓ ઝોનલ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મંત્રી પ્રવીણભાઈ માળીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અનેકવિધ વિકાસના કાર્યો થયા છે તે પૈકી દેશના ચારેય ધામના કોરીડોરનો પણ વિકાસ થયો છે. કાશી, ઉજ્જૈન, સોમનાથ અને અંબાજી કોરીડોરનો વિકાસ થયો છે. તેમણે કહ્યું કે, સમસ્યાઓ વિના માણસ પણ મજબૂત બની શકતો નથી તે રીતે જીવનમાં અનેક સમસ્યાઓનો સામનો કરીને પણ કોઈના જીવનમાં અજવાળું પાથરવાનું કામ આપણે કરવું જોઈએ.
મંત્રી પ્રવીણભાઈ માળીએ જણાવ્યું કે, દરેક સમાજે આગળ આવીને યુવા પેઢીને શિક્ષણ અને સંસ્કારના પાઠ ભણાવવા જોઈએ તથા કુરિવાજ, અંધશ્રદ્ધા અને વ્યસનમુક્તિ નાબુદી માટે કાર્યો કરવા જોઈએ. તેમણે આ ઝોનલ વર્કશોપ બદલ અધિકારીશ્રીઓને અભિનંદન પાઠવ્યા હતા. ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૪થી બાળ લગ્ન મુક્ત ભારત અભિયાનની શરૂઆત કરાઈ હતી. ઉત્તર ગુજરાતના ૬ જિલ્લાઓ બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી અને વાવ - થરાદ ઝોન કક્ષાનો આ વર્કશોપ અંબાજી ખાતે આયોજિત કરાયો હતો.
મંત્રીશ્રી અને મહાનુભાવોએ બાળ વિવાહ મુક્ત ભારત અભિયાનના સામુહિક સપથ લીધા હતા.આ પ્રસંગે પાલનપુર ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, રાજ્ય બાળ અધિકાર સંરક્ષણના ચેરપર્સન ધર્મિષ્ઠાબેન ગજ્જર, ચાઇલ્ડ વેલ્ફેર કમિટીના ચેરમેન તથા સભ્ય ઓ, જુવેનાઈલ જસ્ટીસ બોર્ડના સભ્ય ઓ, સચિવ ડી.ડી.કાપડિયા, દાંતા પ્રાંત અધિકારી કે.હરિની, સમાજ સુરક્ષાના નિયામક વિક્રમસિંહ જાદવ, ૬ જિલ્લાના સમાજ સુરક્ષા અને બાળ સુરક્ષાના અધિકારીઓ, પોલીસ વિભાગના અધિકારીઓ, જીવીકે પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર અંબાજી સરપંચ સહિત વિવિધ સમાજના આગેવાનશ્રીઓ અને બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ